સત્ય. સાહસ. સંકલ્પ.

GIDC મિલકત ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની માફી જાહેર

GIDC મિલકત ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની માફી જાહેર

ગાંધીનગર: રાજ્ય સરકારે નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ની મિલકતોના જૂના વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટી અને દંડમાં 80 ટકા સુધીની માફી આપવાની જાહેરાત કરી છે. આ યોજના 30 જૂન, 2025 સુધીના પાત્ર વ્યવહારોને લાગુ પડશે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 9(a) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ વિશેષ રાહત યોજના અમલમાં મૂકી છે. આ નિર્ણયથી GIDC વસાહતોમાં વર્ષોથી અટકેલા મિલકત ટ્રાન્સફરના પ્રશ્નોનો ઉકેલ આવશે તેવી અપેક્ષા છે.

કોને અને કેવી રીતે મળશે લાભ?

આ યોજના હેઠળ 30 જૂન, 2025 કે તે પહેલાં હાથ ધરાયેલા GIDC મિલકતોના તમામ પાત્ર વ્યવહારો - જેમ કે ફાળવણી પત્રો, શેરના ક્રમિક ટ્રાન્સફર, લીઝ અને સબ-લીઝ દસ્તાવેજો - આવરી લેવાશે. 1 જાન્યુઆરી, 2018 પહેલાં થયેલા ટ્રાન્સફરમાં નક્કી કરાયેલ બજાર મૂલ્ય પર વસૂલવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા ઘટાડો થશે. બાકીની 20 ટકા ડ્યુટી નિયમ મુજબના દંડ સાથે ચૂકવવાની રહેશે.

1 જાન્યુઆરી, 2018 કે ત્યારબાદના વ્યવહારોમાં પણ 80 ટકા છૂટ મળશે, અને બાકીની 20 ટકા રકમ દંડ સાથે ચૂકવવાની રહેશે. એ નોંધવું અગત્યનું છે કે જો 20 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને દંડની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતાં વધી જાય, તો બેમાંથી જે રકમ વધારે હોય તે વસૂલવામાં આવશે.

શરતો અને નિયમો

આ યોજનાનો લાભ ફક્ત માન્ય ઉદ્યોગ નોંધણી પ્રમાણપત્ર (Udyam Registration) ધરાવતા MSMEને જ મળશે. સ્ટેમ્પ ડ્યુટી અને દંડની રકમ મિલકતના હાલના ફાળવણીકાર કે ધારકે ચૂકવવાની રહેશે. દસ્તાવેજોની સરકારી નોંધણી કરાવવી ફરજિયાત છે.

જો કોઈ બાબતમાં નાયબ કલેક્ટરના આદેશ સામે અપીલ કરવામાં આવી હોય, તો 25 ટકા રકમ સિક્યોરિટી તરીકે જમા કરાવીને લાભ મેળવી શકાશે. જો કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય, તો અરજદારે કેસ પાછો ખેંચવો પડશે.

કોને લાભ નહીં મળે?

30 જૂન, 2025 પછીના દસ્તાવેજો પર આ યોજનાનો લાભ મળશે નહીં. જે કિસ્સાઓમાં નોટિફિકેશન પહેલાં જ નિર્ણય થઈ ગયો હોય કે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવાઈ ગઈ હોય, તેમને રિફંડ મળશે નહીં. સરકારના આ પગલાથી ઉદ્યોગકારોને આર્થિક રાહત મળશે અને વ્યવસાયિક વાતાવરણ સુધરશે તેવી ધારણા છે.