સત્ય. સાહસ. સંકલ્પ.

શેરબજારમાં યુવાનોની ધૂમ: અડધાથી વધુ નવા રોકાણકારો 18-30 વર્ષના

શેરબજારમાં યુવાનોની ધૂમ: અડધાથી વધુ નવા રોકાણકારો 18-30 વર્ષના

ગાંધીનગરના 23 વર્ષના એક યુવાને શેરબજાર વિશે ઇન્કવાયરી કરી. તે સમયે તેની પાસે બાઇક પણ નહોતું, પણ તેણે આઠ મહિના સુધી શેરબજારનું જ્ઞાન મેળવ્યું. તેને લાગ્યું કે યુટ્યુબ પરથી મળતું જ્ઞાન તેના કામનું નથી. તેથી તેણે લાઇવ માર્કેટમાં જોડાઈને શીખવાનું શરૂ કર્યું.

બીજો કિસ્સો: એક યુવકે શેરબજારમાં 1.25 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું. તેણે સ્ટોક માર્કેટ કોર્સની ઇન્કવાયરી કરી અને કહ્યું, 'સર, બહુ નુકસાન થઈ ગયું છે. હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.' અમે તેને કહ્યું કે નુકસાન ભરપાઈ કરવા માટે નહીં, પણ શીખવા માટે આ કોર્સ કરવો. તેણે છ-સાત મહિના પૂરો સમય આપ્યો. આજે તેણે 4થી 5 કરોડ રૂપિયા કમાયા છે અને નુકસાન પણ પાછું મેળવ્યું છે.

આ બંને કિસ્સામાં એક વાત સામાન્ય છે: બંને રોકાણકારો 'જેન-ઝી' છે. આવા યુવા રોકાણકારોના કિસ્સા 'આપ કા ઇન્વેસ્ટમેન્ટ' નામથી સ્ટોક માર્કેટ કોર્સ ચલાવતી સંસ્થાના એમડી હિતેશ સોમાણી કહી રહ્યા છે.

થોડા દિવસ પહેલાં 'એક્સિસ ડાયરેક્ટ'ના રિપોર્ટમાં જણાવાયું હતું કે 2026માં શેરબજારમાં આવેલા નવા રોકાણકારોમાં 53% રોકાણકારો 18થી 30 વર્ષની વચ્ચેના હતા. 2022માં આ આંકડો 35% હતો. નવા યુવા રોકાણકારોમાંથી લગભગ 60% ટાયર-2 અને ટાયર-3 શહેરોમાંથી આવે છે. એટલે કે શેરબજારમાં જેન-ઝી રોકાણકારો વધી રહ્યા છે અને નાનાં શહેરોના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.

પરંપરાગત એફડી અને સોના-ચાંદીનાં રોકાણથી આગળ વધીને આજની પેઢી AI, IT અને SIP તરફ વળી રહી છે. ટ્રેડિંગ ક્ષેત્રે યુવાનો કેવી રીતે આગળ આવી રહ્યા છે અને સોશિયલ મીડિયાના આકર્ષણ વચ્ચે કઈ મોટી ભૂલોથી બચવું જોઈએ, તે જાણો આજની 'સન્ડે બિગ સ્ટોરી'માં નિષ્ણાતોના વિશ્લેષણ સાથે.

***

ડિજિટલ યુગથી રોકાણ સરળ

રોકાણની દૃષ્ટિએ ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર મહત્ત્વનાં શહેરો છે. પણ હવે મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર જેવાં કેન્દ્રોમાંથી રોકાણકારોની સંખ્યા મોટા શહેરો કરતાં વધુ ઝડપથી વધી રહી છે. તાલુકા સ્તરે ઊંઝા, વિસનગર, ધ્રાંગધ્રા અને ગાંધીધામ આગળ છે.

નાના કેન્દ્રોમાંથી યુવા રોકાણકારોની વધતી સંખ્યા અંગે માર્કેટ નિષ્ણાત જયદેવસિંહ ચુડાસમા કહે છે કે ઇક્વિટી માર્કેટની શરૂઆતમાં મોટાં શહેરોનું જ યોગદાન વધુ હતું, કારણ કે તાલુકા અને ગામડાંમાંથી ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખૂબ જટિલ હતી. એકાઉન્ટ ખોલ્યા પછી આફ્ટર-સેલ્સ સર્વિસનો પણ અભાવ હતો. પણ આજે ડિજિટલ ક્રાંતિએ પ્રક્રિયા સરળ બનાવી છે. UPIની શરૂઆત પછી ગામડાં અને તાલુકાના યુવાનોને પણ ફાયદો થયો છે. છેલ્લાં 10 વર્ષના આંકડા દર્શાવે છે કે શહેરોની તુલનામાં ગામડાં અને તાલુકા સ્તરે રોકાણકારોની સંખ્યા વધી રહી છે.

ચુડાસમાએ કહ્યું કે થોડા દાયકા પહેલાં રોકાણમાં ફિઝિકલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધુ હતું અને પ્રક્રિયા જટિલ હતી. આજે જેન-ઝી રોકાણકારોની સંખ્યા વધવા પાછળ આંગળીના ટેરવે આવેલી ટેક્નોલોજી મુખ્ય કારણ છે. 'જેન-ઝી રોકાણકારોની માનસિકતા છે કે બની શકે તો બેંકમાં ફિઝિકલી જવું ન પડે. તેઓ ઘરે બેઠાં મોબાઇલ કે એપના માધ્યમથી KYC અને રોકાણની પ્રક્રિયા પેનલેસ અને પેપરલેસ રીતે પૂરી કરવા માંગે છે.'

આ જ મુદ્દે હિતેશ સોમાણી કહે છે કે છેલ્લાં 10 વર્ષમાં ટ્રેડિંગમાં ઘણો ફેરફાર આવ્યો છે. 10 વર્ષ પહેલાં મોબાઇલનો ઓછો ઉપયોગ હતો, સ્માર્ટફોન પણ નહોતા. તે સમયે મોટાભાગે મિડલ-એજ સેગમેન્ટના લોકો જ ટ્રેડિંગને કરિયર બનાવવાની વાત કરતા હતા. તેમાં 35થી 50 વર્ષના લોકો વધુ હતા.