ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ રાજ્યમાં જાહેર રસ્તા, સરકારી પડતર જમીન અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની માપણી પ્રક્રિયા અંગે નવી સૂચનાઓ જારી કરવામાં આવી છે.
નવા નિયમ હેઠળ દબાણો હટાવવાની માપણીને સૌથી વધુ પ્રાથમિકતા આપીને ઝડપથી હાથ ધરવામાં આવશે. આ માપણી નાગરિકો તથા વહીવટ માટે કોઈપણ ફી વગર સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. પરિપત્ર સંબંધિત મહેસૂલી અધિકારીઓ, સેટલમેન્ટ કમિશનર અને કલેક્ટરોને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યો છે.
આ અગાઉ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ગૌચરની જમીન પર ગેરકાયદે બનાવાયેલા 'રામાધણી સ્ટેટ' નામના ફાર્મ હાઉસ પર વહીવટીતંત્રે બુલડોઝર કાર્યવાહી કરી હતી. આ ફાર્મ હાઉસ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ભાવેશ દેસાઈએ બનાવ્યું હોવાનું જણાવાયું હતું, જેની સામે 20થી વધુ ગુના નોંધાયેલા છે.
તાલુકા વિસ્તરણ અધિકારી અંબાલાલ ચૌધરીના જણાવ્યા મુજબ, મનીષ રાઠોડની અરજી બાદ કરવામાં આવેલી માપણીમાં 28 લાખથી વધુની કિંમતની જંત્રી ધરાવતી ગૌચર જમીન પર પાકું બે માળનું મકાન, શેડ અને વરંડાનું દબાણ બહાર આવ્યું હતું.
બનાસકાંઠાના વડગામ તાલુકાના સીસરાણા ગામે અંદાજે 300 એકર ગૌચર જમીન પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા કલેક્ટરના આદેશથી વહીવટીતંત્રે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી. શૈલેષ સોલંકીની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસ કાફલો 110 દબાણકારો સામે કાર્યવાહી કરવા પહોંચ્યો હતો.