ગુજરાતમાં ગણપતિ વિસર્જન પર્વ દરમિયાન પાણીમાં ડૂબી જવાથી 10 લોકોના મોત નીપજ્યા છે. સુરત, ધોળકા અને મોરબી સહિતના વિસ્તારોમાં આ કરુણ ઘટનાઓ બની હતી.
સુરત જિલ્લામાં સૌથી વધુ મોત નોંધાયા છે. કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે સાંજે તાપી નદીના કિનારે વિસર્જન માટે ગયેલી હોડી અચાનક પલટી મારી જતાં પાંચ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં મેર રાજુભાઈ લાલાભાઈ (21), શિયાળિયા દાનાભાઈ સુખાભાઈ (26) અને સાદુલભાઈ ભુલાભાઈ મેર (23) (ત્રણેય રહે. ગુરુકૃપા સોસાયટી, ખોલવડ, કામરેજ, જી. સુરત)ના ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યા છે. આ ઉપરાંત માંગરોળના લિડીયાત અને કુંવરદા ગામે તેમજ ઓલપાડ તાલુકાના દિહેણ ગામે પણ ગણપતિ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાની ઘટનાઓ નોંધાઈ છે.
ધોળકા તાલુકાના બગોદરા-શિયાળ રોડ પર આવેલ થાળાવાળી પાણીની દીરમાં ગણપતિ વિસર્જન બાદ નાહવા પડેલા બે કિશોરો ડૂબવાની ઘટના સામે આવી છે. બગોદરાના રહેવાસી મહાવીરસિંહ ગંભુભાઈ ચૌહાણ અને હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ નામના કિશોરો શ્રીજીની પ્રતિમા પધરાવવા ગયા હતા. વિસર્જન કર્યા બાદ બંને કિશોરો પાણીમાં નાહવા પડતાં ઊંડા પાણીમાં જવાથી ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન મહાવીરસિંહ ચૌહાણને તરતાં આવડતું હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે હર્ષરાજસિંહ ચૌહાણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ગુમ થયા હતા.
મોરબીમાં મચ્છુ 3 ડેમમાં ગઈકાલે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. મોરબી ફાયર ટીમને કોલ મળતા તુરંત રેસ્ક્યુ શરૂ કરી 2ને બચાવી લીધા હતા. બીજા 2 યુવાનોના મૃતદેહ આજે મળી આવ્યા છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે ગણેશ વિસર્જનના પર્વ પહેલાં જ હૃદયદ્રાવક ઘટના બની હતી. મોટા દેવળિયા અને ધરાઈ દેવળિયા વચ્ચે દશામાના મંદિર પાછળ આવેલા ચેકડેમમાં નાહવા પડેલા કાકા-ભત્રીજા અને બે ભાણેજ સહિત ચાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજતાં પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. ગણપતિ વિસર્જન માટે આવેલા લોકોએ કાંઠે કપડા જોયા બાદ શંકા જતાં ગ્રામજનોને જાણ કરી હતી. જેના પગલે આ ઘટના સામે આવી છે.