સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતભરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન, અમદાવાદ-સુરતમાં ભક્તોની અશ્રુભીની આંખે વિદાય

ગુજરાતભરમાં ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન, અમદાવાદ-સુરતમાં ભક્તોની અશ્રુભીની આંખે વિદાય

ગુજરાતભરમાં ભાદરવા સુદ ચૌદસના પવિત્ર પર્વે 'ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વરસે વહેલા આવજો'ના નાદ સાથે ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. અમદાવાદ, સુરત અને છોટા ઉદેપુરના નસવાડી સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ઢોલ-નગારા અને ભવ્ય શોભાયાત્રાઓ સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી.

સુરતમાં મળસ્કેથી જ વિસર્જન યાત્રાઓનો ધમધમાટ શરૂ થયો હતો, જ્યારે અમદાવાદમાં પર્યાવરણની જાળવણી સાથે વિસર્જન માટે 38થી વધુ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. સુરતમાં 21 કૃત્રિમ કુંડ અને 3 કુદરતી ઓવારા પર વિસર્જન કરવામાં આવ્યું. ભક્તોની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી, ડ્રોન કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત સાથે બાજ નજર રાખવામાં આવી હતી.

એક તરફ ઉત્સવ પૂર્ણ થતાં ભક્તોમાં ભાવુકતા જોવા મળી, તો બીજી તરફ આગામી વર્ષે બાપ્પાના પુનઃ આગમનની આશા સાથે સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું હતું.

અમદાવાદમાં 38 કૃત્રિમ કુંડ

અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જનનો પર્વ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે વ્યાપક તૈયારીઓ કરી હતી. શ્રદ્ધાળુઓ પર્યાવરણની જાળવણી સાથે આસ્થાભેર પ્રતિમાઓનું વિસર્જન કરી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 38થી વધુ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા.

વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. સમગ્ર યાત્રા અને સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન કેમેરા તથા સીસીટીવી નેટવર્ક મારફતે સતત નજર રાખવામાં આવી હતી. તંત્રએ નાગરિકોને નિર્ધારિત કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરી સહયોગ આપવા અપીલ કરી હતી. વ્યવસ્થા અને સલામતી માટે વિવિધ સ્થળોએ ફાયર બ્રિગેડના 290 જવાનો તથા સેફ્ટી ગાર્ડ્સ તૈનાત રહ્યા હતા. મોટા કદની પ્રતિમાઓના વિસર્જન માટે 38 ક્રેનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

ટ્રાફિક માટે રૂટ ડાયવર્ટ

અમદાવાદમાં ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને શહેરનો ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનરે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામા અનુસાર બપોરે 1 વાગ્યા પછી સરદાર બ્રિજ, એલિસબ્રિજ તેમજ રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ સહિતના અનેક મુખ્ય રસ્તાઓ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા હતા. શોભાયાત્રાઓ અને ભારે ભીડને કારણે આશ્રમ રોડ તથા અન્ય મુખ્ય માર્ગો પર વાહનોનું ભારણ વધે તેવી શક્યતા હતી, જેથી વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

એસ ટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઈ પાલડી તરફ જતો રસ્તો બંધ રહ્યો હતો, જેના બદલે વાહનચાલકો જમાલપુર બ્રિજ નીચેથી બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તા, આંબેડકર બ્રિજ અને અંજલી ચાર રસ્તા થઈને પાલડી કે આશ્રમ રોડ તરફ જઈ શક્યા હતા. તે જ રીતે ગીતામંદિરથી રાયપુર અને સારંગપુર થઈને રેલવે સ્ટેશન જતો માર્ગ બંધ હોવાથી ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા ચોકી, અપ્સરા અને અનુપમ સિનેમા થઈ ગોમતીપુર તેમજ કાલુપુર બ્રિજ મારફતે નરોડા તરફ જવાનો વૈકલ્પિક માર્ગ રહ્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર, આસ્ટોડિયા, ખમાસા, વિક્ટોરિયા ગાર્ડનથી એલિસબ્રિજ તરફની અવરજવર પણ પ્રભાવિત રહી હતી.