ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર વસૂલવામાં આવતા કર રાજ્ય સરકારની આવકનો મોટો સ્રોત બની રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પેટ્રોલ-ડીઝલ પર વેટ, સીએસટી અને સેસમાંથી રાજ્ય સરકારને કુલ 21,992 કરોડ રૂપિયાની આવક થઈ છે.
રાજ્યમાં પેટ્રોલ પર 13.7 ટકા અને ડીઝલ પર 14.9 ટકા વેટ લેવામાં આવે છે. આ ઉપરાંત બંને પર ચાર ટકા સેસ પણ વસૂલવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2025-26માં પેટ્રોલ પરના વેટમાંથી 4,423 કરોડ રૂપિયા, સીએસટીમાંથી 1,040 કરોડ રૂપિયા અને સેસમાંથી 1,328 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
ડીઝલની વાત કરીએ તો તે રાજ્ય સરકાર માટે આવકનો વધુ મોટો સ્રોત સાબિત થયો છે. ડીઝલ પરના વેટમાંથી સરકારને 8,675 કરોડ રૂપિયા, સીએસટીમાંથી 2,427 કરોડ રૂપિયા અને સેસમાંથી 3,099 કરોડ રૂપિયા મળ્યા હતા.
કુલ આવકમાં ડીઝલનો હિસ્સો 69.10 ટકા અને પેટ્રોલનો હિસ્સો 30.90 ટકા રહ્યો છે. આ આંકડા પ્રમાણે, ગુજરાત સરકારને દરરોજ સરેરાશ 60.25 કરોડ રૂપિયાની આવક થાય છે.