રાજ્ય સરકારે એવા વેપારીઓ સામે કડક પગલાં શરૂ કર્યાં છે, જેઓ વેજિટેબલ ફેટમાંથી બનેલું ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ તરીકે વેચીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં 'ઓપરેશન હેલ્થ' અંતર્ગત જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આઈસ્ક્રીમ સેન્ટરોમાં તપાસ કરવામાં આવી રહી છે.
તંત્રે વેપારીઓને મિલ્ક આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ માટે અલગ-અલગ બોર્ડ લગાવવાની સૂચના આપી છે. સાથે જ FSSAIના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ કહેવામાં આવ્યું છે.
ગ્રાહકોને ખરીદી કરતા પહેલાં પેકેટ પરનું લેબલ, ઘટકો અને ઉત્પાદનની વિગતો ધ્યાનથી વાંચવાની અપીલ કરવામાં આવી છે. આમ કરવાથી તેઓ યોગ્ય અને સુરક્ષિત ખાદ્યપદાર્થ પસંદ કરી શકશે અને ભ્રામક જાહેરાતોનો ભોગ બનતા અટકશે.