સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના મફત પાઠ્યપુસ્તકો ઓનલાઈન વેચાણનો કોંગ્રેસનો આરોપ, પાઠ્યપુસ્તક મંડળ પર સવાલો

ગુજરાતના મફત પાઠ્યપુસ્તકો ઓનલાઈન વેચાણનો કોંગ્રેસનો આરોપ, પાઠ્યપુસ્તક મંડળ પર સવાલો

ગુજરાત સરકારની વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવતા પુસ્તકો ઓનલાઈન પ્લેટફોર્મ પર 160થી 250 રૂપિયાના ભાવે વેચાતા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવીને સંપૂર્ણ તપાસની માંગ કરી છે.

કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા અનુસાર, ઓનલાઈન પ્લેટફોર્મ પર મળતા કેટલાક પાઠ્યપુસ્તકોના મુખપૃષ્ઠ પર જ ‘રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક’ એવું સ્પષ્ટ લખેલું છે. તેમ છતાં આ પુસ્તકો નિર્ધારિત કિંમત સાથે વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. ધોરણ 9, 11 અને 12ના કોમ્પ્યુટર સાયન્સ, ઇતિહાસ, અકાઉન્ટ્સ, મનોવિજ્ઞાન અને યોગ જેવા વિષયોનાં પુસ્તકો 160થી 250 રૂપિયા કે તેથી વધુના ભાવે ઉપલબ્ધ હોવાની વિગતો સામે આવી છે. સરકારી યોજના હેઠળ આ પુસ્તકો પાત્ર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળવાના હોય છે, ત્યારે એ જ પુસ્તકો ઓનલાઈન વેચાણમાં કેવી રીતે પહોંચ્યાં તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.

કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળ અને સરકાર પાસે ઘણા સવાલોના જવાબ માંગ્યા છે. જો આ પુસ્તકો ખરેખર વિનામૂલ્યે યોજના હેઠળના હોય, તો તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચવાની મંજૂરી કોણે આપી? પુસ્તકોનો જથ્થો વેચાણકર્તા સુધી કેવી રીતે પહોંચ્યો? તેનો સપ્લાયર કોણ છે અને કોની મંજૂરીથી સપ્લાય થયો? વેચાણમાંથી મળતી રકમ કોના ખાતામાં જાય છે? રાજ્ય સરકાર જે પુસ્તક વિદ્યાર્થીઓને મફત આપવાની છે, તેના માટે વાલીઓ પાસેથી નાણાં લેવામાં આવે તો જવાબદારી કોની ગણાશે?

કોંગ્રેસે એવો પણ આરોપ મૂક્યો છે કે, લગભગ એક મહિના પહેલાં શિક્ષણ મંત્રી અને પાઠ્યપુસ્તક મંડળના ચેરમેને એમેઝોન પરથી પુસ્તકો મંગાવવાની વ્યવસ્થા અંગે વાલીઓ પાસેથી ડિલિવરી ચાર્જ નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરી હતી. પરંતુ વાસ્તવિક ઓર્ડર પ્રક્રિયા દરમિયાન દરેક ઓર્ડર પર પાંચ રૂપિયા ‘માર્કેટ પ્લેસ ફી’ વસૂલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ડિલિવરી ચાર્જ નહીં લેવાની જાહેરાત કરવામાં આવી હોય, ત્યારે આ વધારાની ફી કેમ વસૂલવામાં આવે છે તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.

વધુમાં, ચાલુ શૈક્ષણિક સત્રમાં અનેક વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો ન મળ્યાની ફરિયાદો સામે આવી હતી. આવી સ્થિતિમાં વાલીઓની સુવિધા માટે એમેઝોન મારફતે પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હોય, તો તેનો વાસ્તવિક લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે કે નહીં તેની તપાસ જરૂરી છે. ખાસ કરીને સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનાં પુસ્તકો જ વ્યાપારી વેચાણમાં ગયાં છે કે કેમ, તે અંગે સ્ટોકથી લઈને સપ્લાયર અને વેચાણ સુધીની સમગ્ર કડીની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસે સરકાર અને પાઠ્યપુસ્તક મંડળ પાસે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આવા પુસ્તકોનો સ્ટોક, સપ્લાયર, વેચાણકર્તા, મંજૂરી, વેચાણ કિંમત તથા નાણાકીય વ્યવહારો જાહેર કરવાની માંગ પણ કરી છે.