રાજકોટ: ગુજરાતમાં અનિયમિત વરસાદને કારણે કૃષિ ઉત્પાદનમાં આંશિક ઘટાડો થયો છે, પરંતુ બજારમાં ખાદ્ય ચીજોના ભાવ અનેકગણા વધી ગયા છે. દક્ષિણ ગુજરાતમાં વધુ અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડતાં કેટલાક પાકમાં ઉત્પાદન ઘટ્યું છે. જોકે, ઉત્પાદનમાં જેટલો ઘટાડો થયો છે તેના કરતાં ભાવમાં વધુ વધારો થયો છે.
માર્કેટ યાર્ડમાં વેપારીઓની જથ્થાબંધ ખરીદીના ગત વર્ષે 18 નવેમ્બર 2025 અને આ વર્ષે 18 નવેમ્બર 2026ના ભાવની સરખામણી પ્રમાણે એક જ વર્ષમાં મગફળી અને કપાસમાં પ્રતિ મણ રૂ. 400નો વધારો થયો છે. જ્યારે ધાણા, જીરું અને સૂકા મરચાના ભાવમાં રૂ. 1,200થી 1,500નો વધારો થયો છે.
મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ. 1,503 છે, જ્યારે બજારમાં ખેડૂતોને રૂ. 1,600થી 1,800 સુધીના ભાવ મળી રહ્યા છે. મગફળીના ભાવમાં રૂ. 400નો વધારો થયો છે. તેલલોબી પ્રતિ સરકારી નીતિઓને કારણે સિંગતેલના ભાવમાં રૂ. 600નો વધારો થયો છે. નોંધપાત્ર વાત એ છે કે મગફળીનું સરેરાશ ઉત્પાદન જળવાયું છે અને ગત વર્ષે વિક્રમી ઉત્પાદન થયું હોવા છતાં ભાવ વધી રહ્યા છે.
કઠોળ, તલ અને શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પ્રતિ 20 કિલોએ મગમાં રૂ. 245, ચણામાં રૂ. 435 અને અડદમાં રૂ. 520નો વધારો થયો છે. શિયાળામાં ચીકી બનાવવા માટે વપરાતા તલના ભાવ પ્રતિ મણ રૂ. 1,300 વધ્યા છે. બટાટા સિવાયના અન્ય શાકભાજીમાં પણ ભાવવધારો થયો છે. લીંબુના ભાવ ગત વર્ષે પ્રતિ મણ રૂ. 280થી 640 હતા, જે આ વર્ષે વધીને રૂ. 825થી 1,590 થયા છે, એટલે કે અંદાજે રૂ. 900નો વધારો થયો છે.
માર્કેટ યાર્ડના આ ભાવ જથ્થાબંધ ખરીદીના છે. ગ્રાહકો જ્યારે કરિયાણાની દુકાનેથી ખરીદી કરે છે ત્યારે પેકિંગ, સોર્ટિંગ ખર્ચ, નફો અને કમિશન ઉમેરાતા ભાવ બમણાથી પણ વધુ થઈ જાય છે. પરિણામે, રસોડામાં વપરાતી દૂધ, દહીં, ખાંડ, ગોળ, તેલ, શાકભાજી, કઠોળ, અનાજ અને રાંધણગેસ સહિતની વસ્તુઓ મોંઘી થઈ છે. સામાન્ય પરિવાર માટે બે ટંકનું ભોજન પણ મુશ્કેલ બન્યું છે.