સત્ય. સાહસ. સંકલ્પ.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘાસચારાના ભાવ ત્રણ ગણા, પશુપાલકો મુશ્કેલીમાં

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘાસચારાના ભાવ ત્રણ ગણા, પશુપાલકો મુશ્કેલીમાં

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે. તેની અસર હવે પશુપાલકો પર દેખાઈ રહી છે. ઘાસચારાના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે, જેના કારણે પશુપાલકોને પોતાના પશુઓ માટે ખોરાક ખરીદવો ભારે પડી રહ્યો છે.

વરસાદના અભાવે ખેતરોમાં લીલોતરી ઘટી છે. લીલું ઘાસ મળવું અઘરું બન્યું છે. સૂકા ઘાસ અને મગફળીના પાલાની માગ વધી છે. પરિણામે ભાવ આસમાને પહોંચ્યા છે.

હાલમાં એક મણ સૂકા ઘાસનો હોલસેલ ભાવ રૂ. 650 અને રિટેલ ભાવ રૂ. 750 સુધી પહોંચ્યો છે. ગત વર્ષે આ ઘાસ રૂ. 250થી 300માં મળતું હતું. લીલા ઘાસનો ભાવ પણ વધ્યો છે. એક મણ લીલા ઘાસનો હોલસેલ ભાવ રૂ. 120 અને રિટેલ ભાવ રૂ. 160 થયો છે, જે ગત વર્ષે રૂ. 60થી 70 હતો. મગફળીના પાલાનો ભાવ ગત વર્ષના રૂ. 100થી વધીને રૂ. 300 પ્રતિ મણ થયો છે.

ઘાસચારો મોંઘો થયો હોવા છતાં પશુપાલકો માટે તેની ખરીદી ટાળવી શક્ય નથી. પશુઓને દરરોજ ખોરાક આપવો પડે છે, તેથી વધેલા ભાવનો બોજ સીધો તેમના ખિસ્સા પર પડે છે. કચ્છના ભુજ તાલુકાના મિરજાપરના માલધારીઓ પણ ઘાસચારાની અછતને લઈને ચિંતિત છે. માલધારીઓનું કહેવું છે કે સરકારે રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાની જાહેરાત કરી હતી, પણ તેમના વિસ્તારમાં હજુ સુધી પૂરતી વ્યવસ્થા થઈ નથી. પશુપાલકો સરકાર પાસે વહેલી તકે સસ્તા દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે.