ગુજરાત સરકારે નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરી વિકાસ વિભાગે 23 ઓક્ટોબરે ‘ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ સુધારા નિયમો 2026’ને મંજૂરી આપી છે. આ નિયમો હેઠળ રાજ્યમાં જાહેર અવરજવર ધરાવતા કાયમી અને હંગામી બાંધકામો માટે ફાયર સેફ્ટીના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. હવે 15 મીટરથી ઊંચી ઇમારતો, 9 મીટરથી ઊંચી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલો, પેટ્રોલ પંપ અને 500 ચોરસ મીટરથી વધુના કોમર્શિયલ બાંધકામો માટે ફાયર NOC ફરજિયાત બન્યું છે. ગરબા પંડાલો અને અન્ય હંગામી પંડાલો પર પણ આ નિયમો લાગુ પડશે. ઔદ્યોગિક એકમો માટે આ નિયમો 1 એપ્રિલ 2027થી અમલમાં આવશે.
નવા કાયદા મુજબ રાજ્યમાં 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ ઇમારતો અને 9 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી શાળા, કોલેજ કે શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાયર NOC લેવું કે રિન્યુ કરાવવું ફરજિયાત છે. આ ઉપરાંત તમામ નાની-મોટી હોસ્પિટલો, હોટલો, પેટ્રોલ પંપ, મલ્ટિપ્લેક્સ અને 500 ચોરસ મીટરથી વધુ બાંધકામ ધરાવતી કોમર્શિયલ ઇમારતો માટે ફાયર સેફ્ટી પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહેશે. રાજ્યના તમામ પેટ્રોલ પંપ અને મલ્ટીલેવલ કાર પાર્કિંગ પણ આ કડક નિયમો હેઠળ આવરી લેવાયા છે.
ગરબા, પ્રદર્શનો કે અન્ય જાહેર કાર્યક્રમો માટે ઊભા કરવામાં આવતા કામચલાઉ પંડાલ અને સ્ટ્રક્ચર્સ માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આવા સ્થળો પર આગ ઓલવવાના સાધનો ચલાવી શકે તેવા 2થી 3 તાલીમબદ્ધ સિક્યોરિટી ગાર્ડ 24 કલાક તૈનાત રાખવા પડશે. જે કાર્યક્રમમાં 50થી વધુ લોકો એકઠા થતા હોય ત્યાં આયોજકોએ ફાયર વિભાગ સમક્ષ તમામ વિગતો રજૂ કરીને બાંહેધરીપત્ર આપવું પડશે. સાથે જ સ્થળ પર પ્રવેશ અને નિકાસ દરવાજા ઓછામાં ઓછા 5 ફૂટ પહોળા અને ઊંચા રાખવાના રહેશે.
ફાયર સેફ્ટી સર્ટિફિકેટના રિન્યુઅલ માટેની અરજી સર્ટિફિકેટની મુદત પૂરી થવાના ઓછામાં ઓછા 60 દિવસ અગાઉ સબમિટ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ સિવાય, કોઈપણ બિલ્ડિંગમાં લગાવેલી ફાયર સિસ્ટમ ચાલુ સ્થિતિમાં છે કે નહીં તેનો નિયમિત ઇન્સ્પેક્શન રિપોર્ટ કે સેલ્ફ-ડેકલેરેશન ગુજરાત ફાયરબ્રિગેડના પોર્ટલ પર સમયાંતરે અપલોડ કરવાનું રહેશે.
ગુજરાત સરકારે ઔદ્યોગિક એકમો માટે પણ ફાયર સેફ્ટીના નવા નિયમો જાહેર કર્યા છે. ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમોમાં મશીનરી, વીજળી અને વિવિધ સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી આગ સામે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કડક કાયદા ઘડાયા છે. ઔદ્યોગિક એકમો માટે આ નવા નિયમોનો અમલ 1 એપ્રિલ 2027થી કરવામાં આવશે.
નવા કાયદા અંતર્ગત ફાયર સેફ્ટી અને ઇમરજન્સી એક્ઝિટ સહિતના તમામ સાર્વત્રિક નિયમોની અમલવારી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો સહિત જિલ્લા મથકોમાં આવેલા ગુજરાતના 220 ફાયર સ્ટેશનો મારફતે કરાશે. જોકે, એકતરફ કાયદાનો વ્યાપ અને કામગીરીનું ભારણ વધારાયું છે, ત્યારે બીજી તરફ 220 ફાયર સ્ટેશનોમાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાની સમસ્યા વચ્ચે આ કડક નિયમોનું પાલન કેટલી સુદ્રઢતાથી થઈ શકશે તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.