અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ ફીવર અને સામાન્ય તાવના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ચોમાસામાં ઓછો વરસાદ છતાં આરોગ્ય પર અસર જોવા મળી રહી છે. ઘણા પરિવારોમાં એક સાથે એક-બે સભ્યો બીમાર હોવાના અહેવાલ છે.
રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ ક્લિનિક્સમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તાવ વધુ હોવાને કારણે ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.
વર્ષ 2026માં તાવના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 45,272 લોકોને હાઈ ફીવરના કારણે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ આંકડો ગયા વર્ષ કરતાં 9 ટકા વધુ છે.
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 10,078 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 6,752 અને વલસાડમાં 2,036 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા આઠ મહિનામાં તાવના 108માં નોંધાયેલા કુલ કેસોમાંથી 22 ટકા કેસ અમદાવાદના અને 14 ટકા કેસ સુરતના છે.