સત્ય. સાહસ. સંકલ્પ.

ખેડૂતોની દિવાળી દેવાવાળી: મહેસાણા અને બનાસકાંઠામાં શાકભાજીના ભાવ તળિયે

ખેડૂતોની દિવાળી દેવાવાળી: મહેસાણા અને બનાસકાંઠામાં શાકભાજીના ભાવ તળિયે

મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ વર્ષે શાકભાજીના ભાવમાં આવેલા ભારે ઘટાડાને કારણે ભારે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે. મહેસાણા APMCની શાકભાજી માર્કેટમાં રીંગણ, મરચાં, ફૂલાવર સહિતના શાકભાજીના ભાવ નીચા આવી જતાં ખેડૂતોને પોતાનો પાક નજીવા ભાવે વેચવાની ફરજ પડી રહી છે.

બનાસકાંઠાના ડીસા ખાતેના ખાડિયા માર્કેટ યાર્ડમાં પણ રીંગણ, બટાટા, દૂધી અને ફ્લાવરના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. કેટલાક ખેડૂતોને તો પોતાનો પાક વેચવાને બદલે ગૌશાળામાં નાખવો પડ્યો છે. ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટમાં આવે છે, પરંતુ યોગ્ય ભાવ ન મળતાં નિરાશ થઈને પરત ફરે છે. ડીસામાં બે દિવસ પહેલાં પ્રખ્યાત દખ્ખણિયા રીંગણનો ભાવ પ્રતિ કિલો માત્ર બે રૂપિયા રહ્યો હતો.

પાલનપુર APMCમાં પણ આ જ સ્થિતિ છે. ખેડૂતોનું કહેવું છે કે વિઘે 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે શાકભાજીના ભાવ એટલા નીચા છે કે ખર્ચ પણ નીકળતો નથી. આ વર્ષે અનિયમિત અને ઓછા વરસાદ, ભૂગર્ભજળની સમસ્યા અને વીજળીની તકલીફ બાદ ખેડૂતોએ શાકભાજી તરફ વળે છે, પરંતુ હવે શાકભાજીમાં પણ મંદી આવતાં તેમની હાલત કફોડી બની છે.

ખેડૂતોની દિવાળી તો બગડી જ છે, પરંતુ હવે તેમને ભાગિયા અને મજૂરોની દિવાળી કેવી રીતે સુધારવી તેની ચિંતા સતાવી રહી છે. શાકભાજીના ભાવમાં આવેલા આ ઘટાડાથી ખેડૂતોના પરિવહન ખર્ચ પણ નીકળતા નથી, અને કેટલાક ખેડૂતોને તો શાકભાજી ફેંકી દેવાની ફરજ પડી છે.