સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળ સહાય પ્રતિ હેક્ટર ₹8,500 ખેડૂતોને અપૂરતી, પાક ધિરાણ માફી કે વિઘે ₹20,000 સહાયની માંગ

દુષ્કાળ સહાય પ્રતિ હેક્ટર ₹8,500 ખેડૂતોને અપૂરતી, પાક ધિરાણ માફી કે વિઘે ₹20,000 સહાયની માંગ

રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલા ચાર જિલ્લાઓના ખેડૂતો માટે પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય જાહેર કરી છે. જોકે, ખેડૂતો અને કિસાન સંઘે આ સહાયને તેમના ખર્ચ સામે તદ્દન મામૂલી ગણાવી છે. બિયારણ, ખાતર અને પાણીનો ખર્ચ આ સહાય કરતાં ઘણો વધારે હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ખેડૂતોની માંગ છે કે સરકાર કાં તો પાક ધિરાણ સંપૂર્ણ માફ કરે, અથવા તો ઓછામાં ઓછી વિઘે ₹20,000 સહાય આપે. ખેડૂતોના જણાવ્યા મુજબ, એક વિઘામાં બિયારણ અને ખાતર-પાણીનો ખર્ચ જ ₹20,000 જેટલો થઈ જાય છે, ત્યારે હાલની સહાય ખૂબ જ ઓછી છે.

કિસાન સંઘે પણ સરકારને આ સહાય પર પુનઃવિચાર કરવા અપીલ કરી છે. સંઘનું કહેવું છે કે ખેડૂતોની ખર્ચની તુલનામાં આ સહાય નજીવી છે અને તેનાથી ખેડૂતોને રાહત થશે નહીં.

આ તરફ કચ્છના ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે સહાય સાચા લાભાર્થી સુધી પહોંચે તેની ચોક્સાઈ કરવામાં આવે. સ્થળ પર જઈને પશુઓની ગણતરી કરીને સહાય આપવી જોઈએ, જેથી ખોટા લોકો લાભ ન લઈ જાય. અન્ય એક ખેડૂતે જણાવ્યું કે અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવનારને વહેલી સહાય મળી જાય છે, જ્યારે નબળા ખેડૂતો વંચિત રહી જાય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ 12 જિલ્લામાં 30 ટકાથી ઓછા વરસાદને કારણે ભયંકર દુષ્કાળની સ્થિતિ છે. ગયા વર્ષે અતિવૃષ્ટિ વખતે પણ ₹22,000ની સહાય આપવામાં આવી હતી. ત્યારે હાલની સહાય તેની સામે પણ નજીવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.