સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને સહાયના નામે વીમા-પાર્સિંગનો બોજ, રૂ.14,450 ભરવાના મેસેજથી રોષ

દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને સહાયના નામે વીમા-પાર્સિંગનો બોજ, રૂ.14,450 ભરવાના મેસેજથી રોષ

ગુજરાતના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોને સરકારની સહાયની જાહેરાત બાદ આઘાત લાગ્યો છે. સરકારે હેક્ટર દીઠ સહાયની જાહેરાત કરી હતી, પરંતુ હજુ તે અમલમાં આવી નથી ત્યાં જ ખેડૂતોને મીની ટ્રેક્ટર અને ટ્રોલીના વીમા તથા પાર્સિંગ પેટે રૂ. 14,450 ભરવાના મેસેજ મળવા લાગ્યા છે. આથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તેઓ આને "ડાબા હાથે રાહત આપી જમણા હાથે લૂંટ" ગણાવી રહ્યા છે.

દુષ્કાળ જાહેર થયા પછી ખેડૂતોના ફોન પર સહાય જમા થયાના સંદેશા નહીં, પણ મીની ટ્રેક્ટર અને ટ્રોલીના વીમા તેમજ પાર્સિંગ પેટે રૂ. 14,450 ભરવાના મેસેજ આવી રહ્યા છે. લાખો રૂપિયાના મોટા ટ્રેક્ટર ન ખરીદી શકતા ખેડૂતો ખેતી અને વાવણીના ગણતરીના દિવસોમાં 'મીની ટ્રેક્ટર' વસાવે છે. આ નાનકડું ટ્રેક્ટર હાઇવે પર દોડવા માટે નહીં, પણ ખેતરમાં કામ કરવા માટે હોય છે. તેમ છતાં, સરકારી તંત્રએ મીની ટ્રેક્ટરના થર્ડ પાર્ટી વીમાના નામે રૂ. 8,650 અને પીયુસીના રૂ. 300 ઉઘરાવવાનું શરૂ કર્યું છે. માંડ ડીઝલના પૈસા ભેગા કરતા ખેડૂતો પાસેથી આટલી રકમ વસૂલવી એ સરકારી લૂંટ સમાન છે તેવો ખેડૂતોનો આરોપ છે.

ખેડૂતો મૂળ ટ્રેક્ટરનું પાર્સિંગ અને વીમો નિયમિત ભરતા હોય છે. તેમ છતાં તેની પાછળ જોડાતી ટ્રોલી માટે અલગથી પાર્સિંગ અને વીમાના નામે રૂ. 5,500નો ફટકો બહાર પાડવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો એન્જિનનો વીમો લીધેલો હોય, તો પાછળ લટકતી ટ્રોલી માટે અલગથી વીમો શા માટે? શું ટ્રોલી ટ્રેક્ટર વગર એકલી રોડ પર દોડવાની છે? આ નીતિ માત્ર સરકારી તિજોરી ભરવા અને વીમા કંપનીઓને ફાયદો કરાવવાનું કૌભાંડ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ પરિસ્થિતિ પર ખેડૂતોનું કહેવું છે કે, સરકાર કૃષિ મહોત્સવો કરીને ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે ખેડૂતોનું દેવું બમણું થઈ રહ્યું છે. દુષ્કાળમાં હજુ તો રૂ. 17,000 સહાયના તો ઠેકાણાં નથી ત્યારે પાર્સિંગ-વીમા અને પીયુસીના નામે રૂ. 14,450નું ઉઘરાવું શરૂ કરાયું છે. આમ છતાં સરકાર ખેડૂતોની હામી હોવાનો દાવો કરે છે.