સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના ખેડૂતો પર 74 હજાર કરોડનું દેવું, લોનમાફીની આશા નકામી

ગુજરાતના ખેડૂતો પર 74 હજાર કરોડનું દેવું, લોનમાફીની આશા નકામી

રાજ્યના ખેડૂતો પર દેવાનો ભારણું વધી રહ્યો છે. સરકારી આંકડા મુજબ, 31 માર્ચ 2026 સુધીમાં ગુજરાતના ખેડૂતો પર જાહેર ક્ષેત્રની બેન્કોમાં 74,176.52 કરોડ રૂપિયાનું કૃષિ ધિરાણ બાકી છે. આ રકમ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતને 10મા સ્થાને મૂકે છે.

ખેતીના વધતા ખર્ચ અને કુદરતી આફતોને કારણે ખેડૂતો વધુને વધુ કરજમાં ડૂબી રહ્યા છે. બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. વધુ પડતો વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી આફતોથી પાકને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક માર સહન કરવો પડે છે. પરિણામે, ખેડૂતોને આગલી સિઝન માટે લોન લેવી પડે છે, જેનાથી દેવું વધતું જાય છે.

લોકસભામાં રજૂ કરાયેલા આંકડા દર્શાવે છે કે પંજાબના ખેડૂતો પર 48,421.94 કરોડ અને હરિયાણાના ખેડૂતો પર 39,786.06 કરોડ રૂપિયાનું દેવું છે, જે ગુજરાત કરતાં ઓછું છે. દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુ સૌથી આગળ છે, જ્યાં 3,44,996.64 કરોડ રૂપિયાનું દેવું છે; તે પછી આંધ્ર પ્રદેશ બીજા ક્રમે છે. પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અનુક્રમે 88.5 હજાર કરોડ અને 79.3 હજાર કરોડ રૂપિયાનું દેવું છે, જે ગુજરાત કરતાં વધારે છે.

આ આંકડા સરકારી બેન્કોના છે. સહકારી બેન્કો અને ખાનગી સાહુકારો પાસેથી લીધેલી લોન સામેલ કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો પરનો દેવાનો બોજ વધુ ભારે હોવાનું માનવામાં આવે છે.

દરમિયાન, નાણા મંત્રાલયે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે નાના અને સીમાંત ખેડૂતો માટે લોનમાફીની કોઈ યોજના વિચારણામાં નથી. આ નિવેદનથી ખેડૂતોની લોનમાફીની આશા પર પાણી ફરી વળ્યું છે.