અમદાવાદ: મહારાષ્ટ્ર સરકારે દુષ્કાળ જાહેર કર્યા બાદ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ દુષ્કાળ અને કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને દરેકને 5,000 રૂપિયાની સહાય આપવાનું પણ નક્કી કર્યું છે. આ સંદર્ભમાં કિસાન કોંગ્રેસે ગુજરાત સરકાર પર ખેડૂતોની મજાક કરવાનો આક્ષેપ કર્યો છે.
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકારે દિવાળીની ભેટ આપતા ખેડૂતોને 5 હજાર રૂપિયા રોકડા તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય લીધો છે. તેમજ પુણ્યશ્લોક અહલ્યાદેવી હોડકર શેતકરી કર્જમુક્તિ યોજના અંતર્ગત 4 લાખ 15 હજાર ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ કર્યા છે. આ ચોથી યાદી છે, જેથી અગાઉની ત્રણ યાદી પૂર્ણ થઈ ગઈ છે. 40થી 45 લાખ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે.
આંબલિયાએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકારે 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને હેક્ટર દીઠ 8,500 રૂપિયાની સહાય જાહેર કરી છે, જે ખેડૂતોની મજાક છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે દિવાળી પહેલાં કેબિનેટ બેઠક બોલાવીને ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાનો નિર્ણય લેવામાં આવે. જો દિવાળી પહેલાં નિર્ણય નહીં લેવામાં આવે તો 12 નવેમ્બરના રોજ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને સાથે લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જમીન માપણી કરી સરકાર સામે મોરચો માંડવામાં આવશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ રાજ્ય સરકાર પર ખેડૂતોને અપૂરતી સહાય આપવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને હેક્ટર દીઠ માત્ર 8,500 રૂપિયાની સહાય આપીને ખેડૂતોની મજાક કરવામાં આવી છે. ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં ખેડૂત દીઠ 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગ તેમણે કરી છે. તેમણે પંજાબ સરકારનું ઉદાહરણ આપતાં કહ્યું કે, પંજાબ સરકારે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપી હતી, જ્યારે ગુજરાતમાં ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવી નથી.
ઈસુદાને જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર ચાર જિલ્લા અને 108 તાલુકાને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને પણ સહાય મળવી જોઈએ. તેમણે દાવો કર્યો કે ખેડૂતોને 50,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તેમણે રાજ્ય સરકાર સમક્ષ ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોની બાકી રકમ અને પૂરતા વળતર અંગે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ખેડૂતોના દેવા માફ કરવા અને નુકસાનને ધ્યાનમાં રાખીને પૂરતું વળતર ચૂકવવાની માંગ કરી હતી.
ઈસુદાને ખેડૂતોને સંગઠિત થઈને પોતાના અધિકારો માટે લડવાની અપીલ કરી હતી. આ ઉપરાંત, આગામી ચૂંટણીમાં ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપતી સરકાર બનાવવા માટે પણ તેમણે ખેડૂતોને અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 15 જિલ્લાના 45 તાલુકા દુષ્કાળગ્રસ્ત છતાં સહાયથી વંચિત છે, અને 4 જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ 40થી 70% વરસાદની ઘટવાળા વિસ્તારોનું શું? તે પ્રશ્ન ઊભો થાય છે.