સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત સરકારે 10 લાખ ખેડૂતોને 2% વ્યાજ માફી આપી, 174 કરોડની સહાય મંજૂર

ગુજરાત સરકારે 10 લાખ ખેડૂતોને 2% વ્યાજ માફી આપી, 174 કરોડની સહાય મંજૂર

ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે સહકારી બેંકો દ્વારા અપાતા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ માફી આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 10 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આ રાહત સહકારી બેંકોના પોતાના ભંડોળમાંથી અપાતા ધિરાણ પર મળશે. આ યોજના માટે રાજ્ય સરકારે 174.07 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે. જે ખેડૂતોએ 1 એપ્રિલ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 વચ્ચે ટૂંકા ગાળાનું ધિરાણ લીધું છે તેમને જ આ લાભ મળશે.

આ પહેલ માટે સરકારે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી છે. ખેડૂતોને બિયારણ, ખાતર અને અન્ય કૃષિ સાધનોની ખરીદી માટે સમયસર અને ઓછા વ્યાજે લોન મળી રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.

અગાઉ સહકારી બેંકો ખેડૂતો પાસેથી 10 થી 13 ટકા સુધીનું વ્યાજ વસૂલતી હતી. 2009-10થી અમલમાં આવેલી 2 ટકા વ્યાજ રાહત યોજનાના કારણે આજે ગુજરાતના ખેડૂતોને માત્ર 7 ટકાના દરે પાક ધિરાણ મળી રહ્યું છે. રાષ્ટ્રીયકૃત બેંકોની સરખામણીમાં સહકારી બેંકોનું ભંડોળ થોડું મોંઘું હોય છે, પરંતુ સરકાર વ્યાજ સહાય તરીકેની રકમ બેંકોને ચૂકવીને ખેડૂતો પરનો બોજો ઘટાડે છે.

રાજ્યમાં ત્રિ-સ્તરીય સહકારી ધિરાણ માળખું કાર્યરત છે, જેમાં 1 રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10,900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નો સમાવેશ થાય છે. આ નેટવર્ક દૂરના ગામડાઓના ખેડૂતો સુધી પણ નાણાકીય સેવાઓ પહોંચાડે છે, જ્યાં મોટી બેંકોની શાખાઓ નથી.

આ ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા લગભગ 33 ટકા ખેડૂતો નાના અને સીમાંત વર્ગના છે. તેમના માટે આ વ્યાજ માફી દેવાનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થશે.