ગુજરાતમાં છેલ્ડા છ મહિનામાં 20,000 લીટરથી વધુ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું છે. આંકડા દર્શાવે છે કે રાજ્યમાં નકલી દૂધનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. ખાસ કરીને બાળકો માટેના દૂધમાં કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલ જેવા પદાર્થો ભેળવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખતરનાક છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભેળસેળયુક્ત દૂધ પીવાથી પોઈઝનિંગ, લિવર અને કિડનીને નુકસાન, હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. નવજાત શિશુઓ અને બાળકો માટે આ ખાસ જોખમી છે, કારણ કે તેમનું શરીર નાજુક હોય છે.
'ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' હેઠળ ભેળસેળ માટે આજીવન કેદ અને ભારે દંડની જોગવાઈ છે. પરંતુ નબળી તપાસ અને કાનૂની છટકબારીના કારણે ગુનેગારો પકડાતા નથી. તંત્ર દ્વારા લેવાતા થોડા સેમ્પલ માત્ર ઔપચારિકતા બની રહ્યા છે, જેથી ભેળસેળિયાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે.
નકલી દૂધ બનાવવાની પદ્ધતિ અંગે જાણકારી મુજબ, પ્રાકૃતિક ચરબી દર્શાવવા માટે સસ્તા પામોલીન તેલ, સોયાબીન તેલ કે વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે. તેને પાણીમાં ઓગાળીને દૂધ જેવું સફેદ પ્રવાહી બનાવવા વોશિંગ પાવડર, લિક્વિડ સોપ કે શેમ્પૂ ઉમેરાય છે. લેક્ટોઝ અને એસ.એન.એફ.ની માત્રા જાળવવા યુરિયા, ખાંડ, ગ્લુકોઝ અને પ્રિઝર્વેટિવ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ કે ફોર્માલિન જેવા રસાયણો ભેળવાય છે.
આ સમસ્યા સામે લડવા માટે કડક તપાસ, નિયમિત સેમ્પલિંગ અને જાહેર જનતામાં જાગૃતિ જરૂરી છે. ગ્રાહકોએ દૂધ ખરીદતી વખતે બ્રાન્ડ અને તારીખ ચકાસવી જોઈએ અને શંકાસ્પદ દૂધની ફરિયાદ સંબંધિત સત્તાવાળાઓને કરવી જોઈએ.