સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિમાં વરસાદની આગાહી, ઉદ્યોગોને ₹1,100 કરોડની સહાય અને કોડિનારમાં સિંહણનો હુમલો

નવરાત્રિમાં વરસાદની આગાહી, ઉદ્યોગોને ₹1,100 કરોડની સહાય અને કોડિનારમાં સિંહણનો હુમલો

રાજ્ય સરકારે આગામી બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રિ પહેલાં જ બેઠકોનો દોર શરૂ થયો છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર થવાની શક્યતા છે.

આંગણવાડીના બાળકોના ભોજનના દરમાં 67 ટકા વધારો થયો છે. હવે રોજ પ્રતિ બાળક ₹8.50 ખર્ચાશે. રાજ્યના 16.17 લાખ બાળકોને વધુ પૌષ્ટિક ભોજન મળશે.

રાજ્યના 14,853 ઉદ્યોગોને ₹1,100 કરોડની સહાય આપવામાં આવી છે. ઉદ્યોગ મંત્રી સંઘવીએ સિંગલ ક્લિકથી ઇન્સેન્ટિવ આપ્યું છે. બેંક લોનની ફરજિયાત શરત દૂર કરતાં ઉદ્યોગોને ફાયદો થશે. 16 દસ્તાવેજોની પ્રક્રિયા ઘટાડવામાં આવી છે.

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર હલ્લા બાદ શાહીકાંડમાં કાર્યવાહી સામે વિરોધ થયો છે. ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ રેલી કાઢી વિરોધ કર્યો હતો. 326 રદ કરવા અને ભાજપ સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે.

સુરતમાં લૂમ્સ યુનિટ્સ 15 દિવસ વહેલા બંધ થવાના આરે છે. દિવાળી પહેલાં યાર્નમાં કિલોદીઠ ₹50નો વધારો થયો છે. સ્થાનિક વીવર્સને આંતરરાષ્ટ્રીય FOB રેટથી યાર્ન ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.

સુરતમાં શ્રમિક આંદોલનના મંડાણ થયા છે. કલેક્ટર કચેરી ખાતે 10 હજાર કારીગરો મહાસત્યાગ્રહ કરશે. 'સંડેની રજા માંગી તો કામ છૂટ્યું, વીડિયો વાયરલ કરી બ્લેકલિસ્ટ કર્યા' એવી ફરિયાદ છે. ત્રણ યુનિયનોએ હાથ મિલાવ્યા છે.

નીરજા ગુપ્તાના કારનામાનો સિલસિલો યથાવત છે. લિપસ્ટિક બાદ નીરજા ગુપ્તાએ ગુજરાત યુનિવર્સિટીના ખર્ચે કપડાં અને જ્વેલરી ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. ₹6 હજારનું બ્લાઉઝ અને ₹11 હજારની કુર્તી ખરીદી હતી. CG રોડ પરથી ચાંદી અને ચેન્નઇથી સોનું ખરીદવામાં આવ્યું હતું.

ગીર સોમનાથના કોડિનારમાં સિંહણે યુવકને ફાડી ખાધો છે. ઘરની બહાર સૂતેલા યુવકને 2 કિમી દૂર લઈ જઈ સિંહણે શિકાર કર્યો હતો. વનવિભાગે સિંહણને પકડવાની ખાતરી આપ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.

અમદાવાદના જગતપુરમાં બાંધકામ સાઇટ પર કામ કરતા સગીરનું મોત થયું છે. સાઇટ પર ખુલ્લા વાયર પર પગ પડતાં કરંટ લાગ્યો હતો. બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 19 ઓક્ટોબરે સામાન્ય વરસાદ પડી શકે છે. છેલ્લા નોરતાની મજા બગડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જો કે આગામી દિવસોમાં ગરમી યથાવત રહેશે.