સત્ય. સાહસ. સંકલ્પ.

સરકારી ઇમારતો બનશે સોલાર કેન્દ્રો, વકીલોની હડતાળ અને 100 યુવતીઓના ફોટા મામલે કાર્યવાહી

સરકારી ઇમારતો બનશે સોલાર કેન્દ્રો, વકીલોની હડતાળ અને 100 યુવતીઓના ફોટા મામલે કાર્યવાહી

સરકારી ઇમારતો હવે સોલાર વીજળી ઉત્પાદનના મોટા કેન્દ્રો બનશે. ગુજરાતમાં 6,014 સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ લગાવી 95 મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાની યોજના છે. આ ઉપરાંત 15 હજાર વધુ ઇમારતો પર સિસ્ટમ લગાવી 65 મેગાવોટ વીજળી ઉમેરવામાં આવશે.

અમદાવાદમાં 'ગુજરાત ભાડા વિધેયક'ના વિરોધમાં વકીલોએ હડતાળ પાડી હતી. વકીલોએ 'રેન્ટ એક્ટ પાછો ખેંચો'ના નારા લગાવ્યા હતા. વિરોધ દરમિયાન અમદાવાદ બાર એસોસિયેશનના પ્રમુખની તબિયત લથડી હતી.

રાજ્યના 10 હજારથી વધુ ક્લાસ-3 મહેસૂલ કર્મચારીઓએ હડતાળ પાડી છે. માસ CL પર ઊતરીને 14 માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો છે. 7મીથી અચોક્કસ મુદતના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

ગરબા મેદાનમાં પહેલીવાર NRI અને Gen-Z માટે 'ઈંગ્લીશ પોલીસ પાર્ટી' ઉતરશે. એસ.જી. હાઈ-વે અને રિંગ રોડ પર ટ્રાફિક માટે 15 સ્પોટ નક્કી કરાયા છે. ગરબામાં કેપેસિટી કરતા વધુ ભીડ થઈ તો એન્ટ્રી બંધ કરાશે.

રવિવારની મોડી રાત્રે અમદાવાદમાં બે અકસ્માત થયા. ઇસ્કોન બ્રિજ પર બેકાબૂ સ્વિફ્ટ ડિઝાયરે અકસ્માત સર્જ્યો, જેમાં બીએમડબલ્યુ સહિત ત્રણ કાર અડફેટમાં આવી. બીજી તરફ સાબરમતી વિસ્તારમાં નશામાં ધૂત પીએસઆઈએ અકસ્માત કર્યો. ગાડીમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી.

સુરેન્દ્રનગરમાં 'કલબ 71 જીમ'માંથી 100થી વધુ યુવતીઓના 1,300 વાંધાજનક ફોટોઝ અને વીડિયોઝ મળ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને લેટર મળતા રેડ કરવામાં આવી અને 15 કલાકમાં જ જીમ સીલ કરી દેવાયું. માલિક આમિન મુલતાનીની ધરપકડ કરાઈ છે.

સુરતના લિંબાયતમાં નળમાંથી ઓઈલ જેવું ઝેરી પાણી નીકળતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. SMCની બેદરકારી સામે જનતાએ વિરોધ કર્યો. કોર્પોરેટરે અધિકારીઓને ફટકાર લગાવી તપાસના આદેશ આપ્યા છે.

અમરેલીમાં 5 લોકો પર હુમલો કરનાર સિંહણનું મોત થયું છે. પાંજરે પુરાયા બાદ હડકવાના લક્ષણો સાથે તબિયત લથડી હતી અને સેમ્પલ લેવાયા હતા. દોઢ વર્ષમાં 4 સિંહણના હડકવાથી મોત થતા વનવિભાગમાં ચિંતા ફેલાઈ છે.

અમદાવાદમાં સાબરમતી નદીમાં બીજા દિવસે પણ એક યુવકે કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. સરદાર બ્રિજ પર લટકીને નદીમાં કૂદ્યો હતો. સફાઈના સ્કીમર મશીનથી જીવ બચાવી બહાર લાવતા યુવક રડવા લાગ્યો હતો.

સુરતમાં 20થી વધુ ઘાટ પર 5 લાખ લોકો છઠપૂજા કરશે. ડિંડોલીમાં તળાવ પર જગ્યાઓ રોકવાનું શરૂ થઈ ગયું છે. ઉત્તર ભારત તરફ જતી સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારવાની માંગ કરાઈ છે.