સત્ય. સાહસ. સંકલ્પ.

ઇવનિંગ ન્યૂઝ બુલેટિન: અમદાવાદમાં ક્રેન ટક્કરે વિદ્યાર્થિનીનું મોત, મોડાસામાં બિશ્નોઈ ગેંગે પોલીસ પર ફાયરિંગ

ઇવનિંગ ન્યૂઝ બુલેટિન: અમદાવાદમાં ક્રેન ટક્કરે વિદ્યાર્થિનીનું મોત, મોડાસામાં બિશ્નોઈ ગેંગે પોલીસ પર ફાયરિંગ

આજના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં રાજ્યભરની મુખ્ય ઘટનાઓની ઝલક રજૂ કરીએ છીએ.

અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજ નજીક એક ક્રેન ચાલકે વિદ્યાર્થિનીને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

અરવલ્લીના મોડાસામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિતોએ પોલીસની ગાડીને ટક્કર મારી છે. પોલીસ પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરી રહી હતી ત્યારે આ ઘટના બની. પોલીસને રિવોલ્વર બતાવતા પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

અમરેલીમાં પરેશ ધાનાણીના કૌટુંબિક ભાઈએ એક યુવકને માથામાં કીટલી મારી છે. 15 સેકન્ડમાં 5 ઘા મારતા યુવકને 9 ટાંકા આવ્યા છે. આરોપી સંદીપ ધાનાણી અમરેલીમાં કોંગ્રેસ સંગઠન પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના વધુ એક કથિત કૌભાંડનો ખુલાસો થયો છે. એકઝીક્યુટીવ કાઉન્સિલને અંધારામાં રાખીને 32 કરોડ રૂપિયાના કામ બારોબાર પાસ કરી દેવાયા હતા. સિન્ડિકેટ સભ્યની જાણ બહાર રજીસ્ટ્રારે સહી કરીને કામને મંજૂરી આપી હતી.

એએમસીના પ્લોટમાં ગેરરીતિ રોકવા માટે નિર્ણય લેવાયો છે. હવે પ્લોટ ભાડે લીધા બાદ વિગતો દર્શાવતું બોર્ડ લગાવવું પડશે. ભાડે લેનારનું નામ, સમય અને હેતુ ફરજિયાત જણાવવો પડશે.

ભાજપે ડાંગ, ભરૂચ અને નર્મદામાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરી છે. બક્ષીપંચ મોરચા સહિતની નવી ટીમ જાહેર કરાઈ છે. પ્રવાસ અને ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નવી જવાબદારી સોંપાઈ છે.

દાહોદમાં એક્સપાયરી દવાના ઢગલા મુદ્દે આરોગ્ય તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ એક્સપાયરી ટેબ્લેટ્સ અને સિરપનો જથ્થો સળગાવવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરી તપાસની માગ કરી છે.

અંબાજી-ગબ્બરમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે. બે દિવસમાં સાડા આઠ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે.

ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદથી ઉનામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરત સહિત પાંચ જિલ્લામાં આજે યલો એલર્ટ જાહેર કરાયો છે.