અમદાવાદના ચંડોળા તળાવમાંથી મકાનો દૂર કરાયા બાદ વિસ્થાપિતોને આવાસ ન ફાળવાતાં તેમણે વિરોધ કર્યો હતો. વિસ્થાપિતોને સાથે રાખીને કોર્પોરેટરે મનપા કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો મકાનો ફાળવી ન શકો તો અમે ચંડોળા તળાવમાં જ રહેવા જઈશું.
રાજકોટના લોકમેળાના પ્રથમ દિવસે રાઇડ્સ ન હોવાથી લોકોએ મેળો માણ્યો હતો, પરંતુ સવારી વગરના આ મેળાને ફિયાસ્કો ગણાવાયો હતો. આશા છે કે આજથી ચકડોળ શરૂ થશે.
પાટણમાં ગટર ઉભરાતાં લોકો તંગ આવી ગયા હતા અને ચક્કાજામ સર્જાયો હતો. પદ્મનાથ ચોકડીની બંને તરફ એક કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી. કલાકોના પ્રદર્શન બાદ પાલિકા તંત્ર જેટિંગ મશીન લઈને આવ્યું હતું.
ગીર ગઢડામાં પીધેલા પોલીસકર્મીએ જુગારીઓને પકડ્યા હતા. તેણે 100ની સ્પીડે ગાડી હાંકતાં ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ ઉપરાંત, પીધેલા પોલીસકર્મીએ 108ની જગ્યાએ 112માં ફોન કરી દીધો હતો.
ગાંધીનગરના દહેગામમાં એક યુવક ટ્રક આવતાં જ દોટ મૂકીને ટાયર નીચે સૂઈ ગયો હતો, જેના કારણે તેનું માથું છૂંદાઈ જતાં સેકન્ડોમાં મોત થયું હતું. પોલીસે યુવકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
સુરતમાં એક ઘરમાંથી માતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. માતાએ પુત્રને ફોન કરીને જણાવ્યું હતું કે દોઢ વર્ષથી સાથે રહેતો હિમાંશુ માર મારતો હતો. પુત્ર જ્યારે ઘરે પહોંચ્યો તો લાશો પડી હતી.
ઉનાના ભડિયાદરમાં જૂની માથાકૂટ બાદ યુવક પર ફરી હુમલો થયો હતો. દુકાનમાં ઘૂસીને છરી મારતાં યુવકના હાથની નસ કપાઈ હતી. યુવકને માથામાં પણ ગંભીર ઈજા થતાં તેને જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં ત્રણ દીકરીના પિતાએ પોતાનું જ પેટ ચીરી નાખ્યું હતું. તેણે પ્રસાદરૂપે માનતાના દાણાની સાથે 100ની નોટ પણ ગળી લીધી હતી.
અમદાવાદમાં ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન થયું છે. કલાજગત સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ ફરી ગુનો આચર્યો હતો. તેણે કરોડોની મસ્ટાંગ કારથી અકસ્માત કરીને મારામારી કરી હતી. અમદાવાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. 19 વર્ષની ઉંમરમાં તેની સામે 6 ગુના નોંધાયેલા છે.