ચૈતર વસાવાના ભાઈનો આત્મહત્યાનો પ્રયાસ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાઈ હાલ જેલમાં હોવાના કારણે તેઓ તણાવમાં હતા તેવું સામે આવ્યું છે. આ સમાચાર વિશે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.
અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત કુળદેવીના દર્શન કરીને કોલવડામાં ગરબા મહોત્સવમાં જશે.
બીજા ખોડલધામ નિર્માણની સત્તાવાર જાહેરાત
નવરાત્રિ મહોત્સવમાં સુરતમાં 'અન્નપૂર્ણા ખોડલધામ'ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સુરતમાં પાટીદાર સમાજના બે ખોડલધામ હશે. આ અંગે મુકેશ પટેલે કહ્યું કે, "કોઈના બાપુજીની પેઢી નથી, નરેશ પટેલને આવવું હોય તો આવે."
બોગસ ડોનેશન કૌભાંડ
ન્યુ નરોડામાં નોંધાયેલી આમ જનમત પાર્ટીનું રૂ. 843.97 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ સામે આવ્યું છે. કાગળ પર ઓફિસ બતાવીને ₹250 કરોડથી વધુની ટેક્સ ચોરી કરવામાં આવી છે. આ કેસમાં પાર્ટી અધ્યક્ષ સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
સરકારી શિક્ષકે સગીરા પર આચર્યું દુષ્કર્મ
જાફરાબાદમાં એક સરકારી શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી શિક્ષકે બે વર્ષથી ધોરણ 8ની ચાર વિદ્યાર્થિનીઓને ચા બનાવવા માટે સ્ટાફ રૂમમાં બોલાવીને અડપલાં કરતો હતો. આરોપી અગાઉ પોલીસકર્મી હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનું વિરોધ પ્રદર્શન
ગુજરાત યુનિવર્સિટીમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાહુલ ગાંધી, કોંગ્રેસ અને CJP મુર્દાબાદના નારા લગાવીને કેન્ટિનથી ગેટ સુધી રેલી કાઢવામાં આવી. તેમણે કહ્યું કે, "સંવિધાનિક સંસ્થાઓ પર સવાલ ઉઠાવીને અરાજકતા ફેલાવવામાં આવે છે."
ડમ્પરે ઈકોને ટક્કર મારી 30 ફૂટ ઢસડી
ધંધુકા હાઈવે પર એક ડમ્પરે ઈકો કારને ટક્કર મારીને 30 ફૂટ સુધી ઢસડી. અકસ્માત બાદ ઈકોમાં આગ લાગી. કારમાં સવાર 34 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
ગાડીના ટાયરમાં એક કિમી સુધી મોપેડ ઢસડ્યું
અમદાવાદમાં હિમાલયા મોલ પાસે એક ઈનોવા કારે એક કિમી સુધી એક્ટિવા ઢસડ્યું. રસ્તા પર તણખાં ઝરતા જોવા મળ્યા. કાર ચાલક દારુના નશામાં હોવાનું સામે આવ્યું છે.
AC ડોમમાં આયોજિત 'ઓજી નવરાત્રિ'ને બંધ કરવા આદેશ
સુરતમાં AC ડોમમાં આયોજિત 'ઓજી નવરાત્રિ'ને બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગના ચેકિંગમાં ખુલ્લા વાયરો અને 7 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આયોજકોએ NOC બાદ પ્લાન પણ બદલી નાખ્યો હતો.
ઉર્દૂ શાળાના શિક્ષકોને ત્રાસ આપ્યાનો આરોપ
સુરતમાં ઉર્દૂ શાળાના શિક્ષકોને માનસિક ત્રાસ આપતો હોવાનો આરોપ સામે આવ્યો છે. બિનજરૂરી ફાઈલો અને ધાકધમકીથી ત્રસ્ત શિક્ષકોએ સુપરવાઈઝર સોએબ અજમેરવાલાને હટાવવા માગ કરી છે.