સત્ય. સાહસ. સંકલ્પ.

સરકારી કર્મચારીઓના DAમાં 3% વધારો: હવે 63 ટકા મોંઘવારી ભથ્થું, 4 લાખ કર્મચારીઓને લાભ

સરકારી કર્મચારીઓના DAમાં 3% વધારો: હવે 63 ટકા મોંઘવારી ભથ્થું, 4 લાખ કર્મચારીઓને લાભ

ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે.

સરકારી જાહેરાત મુજબ, આ વધારો 1 જુલાઈ, 2026થી અમલમાં આવશે. 31 ઓક્ટોબર, 2026થી તફાવતની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે, એટલે કે ચાર માસના એરિયર્સ મળશે.

અગાઉ મે 2026માં સાતમા પગારપંચ હેઠળના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કરાયો હતો, જેનાથી દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. હવે વધુ 3 ટકાના વધારા સાથે DAનો દર 63 ટકા થયો છે. કર્મચારીઓને તેમના મૂળ પગારના દરે વધારાના 3 ટકા ભથ્થાનો લાભ મળશે.

રાજ્ય સરકારના જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુજરાતના લગભગ 4 લાખ કાર્યરત કર્મચારીઓ અને આશરે 4.82 લાખ પેન્શનર્સને આ વધારાનો લાભ મળી શકે છે. તેમાં રાજ્ય સરકાર અને પંચાયત સેવાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. 3 ટકાના વધારાનો લાભ કોને અને કઈ તારીખથી મળશે તે અંગે કેબિનેટના નિર્ણય બાદ વધુ સ્પષ્ટતા થશે.

DA એટલે મોંઘવારી ભથ્થું. મોંઘવારી વધવાથી કર્મચારીઓના ઘરખર્ચ પર પડતી અસર ઓછી કરવા સરકાર મૂળ પગારના ચોક્કસ ટકાના દરે આ ભથ્થું આપે છે. સામાન્ય રીતે મોંઘવારીના આંકડાને ધ્યાનમાં રાખીને દર છ મહિને DAમાં સુધારો કરવામાં આવે છે. પેન્શનર્સને પણ આ જ રીતે મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે.

DA વધારાને કારણે કર્મચારીઓના દર મહિને મળતા પગારમાં વધારો થશે. જુલાઈ 2026થી વધારો અમલી બનશે તો બાકી સમયગાળાના એરિયર્સ પણ મળશે. એરિયર્સની ચુકવણી અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

આ ઉપરાંત કેબિનેટે 9 નવેમ્બર, સોમવારના પડતર દિવસે જાહેર રજા જાહેર કરી છે. આ રજાના બદલામાં 28 નવેમ્બરના ચોથા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે. સરકારે પરિપત્ર કરીને આની સત્તાવાર જાહેરાત કરી છે.