આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ તેમના સમર્થકો સાથે હાથમાં ફાનસ લઈને ઈલેક્ટ્રિસિટી બોર્ડની ઓફિસ પર વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ગામડાંમાં ખેતી વખતે લોડ શેડિંગ કરવામાં આવે છે અને સાંજથી રાત સુધી લાઈટ બંધ કરી દેવામાં આવે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ફરી ફાનસ યુગ આવી ગયો છે.
ગુજરાતમાં વીજળીની સમસ્યા ઘેરી બની રહી છે. દેશના 12 રાજ્યોમાં વીજકાપનો સામનો કરવો પડી રહ્યો છે. ઓલ ઈન્ડિયા પાવર એન્જિનીયર્સ ફેડરેશને ચેતવણી આપી છે કે કોલસાના ઓછા ભંડારને કારણે થર્મલ પાવર પ્લાન્ટ ચલાવવામાં તકલીફ પડી રહી છે, જેના કારણે ગંભીર વીજ સંકટ ઊભું થઈ શકે છે. ભારતમાં 70% વીજળી કોલસાથી ઉત્પન્ન થાય છે. ઓક્ટોબર મહિનામાં ગરમી અને તહેવારોને કારણે વીજળીનો વપરાશ ખૂબ વધી ગયો છે, જેના કારણે માંગ પુરવઠા કરતાં ઘણી વધારે થઈ ગઈ છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારના બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ભારતના ઘણા રાજ્યો કેન્દ્ર પાસેથી વધારાની વીજળી માંગી રહ્યા છે. કારણ કે જળવિદ્યુત ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને કેટલાક પ્લાન્ટમાં મેઈન્ટેનન્સના કારણે રાત્રિના સમયે વીજળીનો પુરવઠો ઘટી ગયો છે. રાજસ્થાન અને ગુજરાત, જે રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં અગ્રણી છે, તેઓએ પણ વધારાની વીજળીની માંગ કરી છે. ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી જેવા રાજ્યોએ પણ આવી જ માંગ કરી છે. પંજાબમાં ગયા મહિને સપ્ટેમ્બરમાં 14-14 કલાક વીજ પુરવઠો બંધ રાખવો પડ્યો હતો. આ બધું દર્શાવે છે કે દેશમાં વીજ સંકટ ગંભીર બની રહ્યું છે.
વીજ સંકટના કારણો પર નજર કરીએ તો, પહેલું કારણ વરસાદ ઓછો પડવો છે. જેથી ડેમમાં પાણીના સ્તરમાં ઘટાડો થયો છે અને જળવિદ્યુત ઉત્પાદન ઘટ્યું છે. જો ડેમનું પાણી વીજળી બનાવવામાં વપરાય તો પીવા અને સિંચાઈ માટે પાણી ન રહે તેવી સ્થિતિ છે. બીજું કારણ, કોલસાની ખાણોમાં પૂર આવવું છે. ખાસ કરીને ઓડિશામાં પૂરના કારણે ખાણોમાં પાણી ભરાયેલાં છે, જેથી કોલસાનું ઉત્પાદન થઈ શકતું નથી. ત્રીજું કારણ, અલ નીનોની અસરને કારણે પવન ધીમો ચાલી રહ્યો છે, જેથી પવનચક્કીઓ દ્વારા ઉત્પન્ન થતી વીજળી ઓછી થઈ છે. ચોથું કારણ, સોલાર એનર્જી તો દિવસ દરમિયાન જ ઉત્પન્ન થાય છે, સાંજ પછી નહીં. તેથી રાત્રે થર્મલ પાવર પર આધાર રાખવો પડે છે, જે કોલસાથી ચાલે છે. પાંચમું કારણ, ઈરાન-અમેરિકા યુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોલસાના ભાવમાં વધારો થયો છે, જેથી આયાત ઘટાડવી પડી છે.
કોલસાની અછત શા માટે ઊભી થઈ? ભારતની વસ્તી મુજબ વીજળીની માંગ ખૂબ વધારે છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોલસાના ભાવમાં વધારો થયો છે, તેથી સરકારે આયાત ઘટાડી છે. 2024માં 200 મેટ્રિક ટન કોલસો આયાત થયો હતો, 2025માં 183 મેટ્રિક ટન અને 2026ના 9 મહિનામાં 167 મેટ્રિક ટન કોલસો આયાત થયો છે. સપ્લાય ચેન સારી ન હોવાને કારણે ગરમી વધતાં જ કોલસાની માંગ અચાનક વધી ગઈ અને પુરવઠામાં ઘટાડો થયો. પરિણામે પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ છે.