ગુજરાતના દક્ષિણ, મધ્ય, પશ્ચિમ અને ઉત્તર ગુજરાતના અંદાજે સવા કરોડ વીજ જોડાણધારકોને ઓક્ટોબર મહિનામાં બે માસનું જે બિલ મળ્યું છે, તેમાં રૂ. 250થી 300 સુધીનો વધારો જોવા મળ્યો છે. સામાન્ય વીજ વપરાશકારોના બિલમાં પાંચથી છ ટકાનો વધારો થયો છે. આ વધારાને લઈને વપરાશકારોમાં ચર્ચા થઈ રહી છે.
આ વધારો અચાનક નથી થયો. ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ ઉત્પાદન કંપનીઓ પાસેથી વીજળી ખરીદતા આ ગ્રાહકોને ઓક્ટોબર મહિનાથી બે માસના બિલ મળવા લાગ્યા છે. સપ્ટેમ્બર 2026માં જાહેર થયેલી નવી ફોર્મ્યુલા જુલાઈ 2026થી જ લાગુ કરવામાં આવી છે. એટલે કે જુલાઈ અને ઓગસ્ટના વધારાનો બોજ પણ ઓક્ટોબરના બિલમાં સામેલ થયો છે. આ જ કારણે બિલ એકંદરે મોટું લાગી રહ્યું છે.
સરકારી વીજ કંપનીઓ અત્યાર સુધી ફિક્સ ચાર્જ એટલે કે મીટરનો ચાર્જ, ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (FPPPA)માં વીજળી પેદા કરવા માટે વપરાયેલા કોલસા અને ગેસના ખર્ચને ધ્યાનમાં લેતી હતી. જૂની પદ્ધતિમાં વપરાયેલા યુનિટ દીઠ એક સરખો બળતણ ચાર્જ ઉમેરાતો હતો. હવે તેમાં બે નવી બાબતો ઉમેરાઈ છે.
સપ્ટેમ્બર 2026માં જાહેર થયેલી નવી ફોર્મ્યુલા પ્રમાણે એક યુનિટ દીઠ એફપીપીપીએ ચાર્જ રૂ. 2.30 હતો, તેમાં સીધો 15 પૈસાનો વધારો કરીને રૂ. 2.45 કરી દેવામાં આવ્યો છે. જે ગ્રાહક 200 યુનિટ વીજળી વાપરે છે, તેના બિલમાં સીધો રૂ. 30નો ઉમેરો થાય છે. જુલાઈ અને ઓગસ્ટ માસના બિલના પણ બીજા રૂ. 30 ઉમેરાયા છે. આમ એફપીપીપીએના મળીને રૂ. 60નો વધારો થયો છે.
ફિક્સ ચાર્જના વધારા ઉપરાંત મીટરના ચાર્જના રૂ. 50 (જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બર-ઓક્ટોબર મળીને રૂ. 100) અને યુનિટદીઠ વપરાશના રૂ. 950ના ચાર્જ પ્રમાણે કુલ રૂ. 1000માં એફપીપીપીએના રૂ. 245 મળીને રૂ. 1245ના ચાર ટકા પ્રમાણે બીજા રૂ. 50થી 52 બિલમાં ઉમેરાયા છે. જુલાઈ-ઓગસ્ટનો વધારો પણ ઓક્ટોબરના બિલમાં આવ્યો હોવાથી કુલ બિલમાં રૂ. 150થી 200નો વધારો થયો હોવાનો અંદાજ છે.
જે ગ્રાહકો સામાન્ય કરતાં વધુ વીજળી વાપરે છે, તેમના બિલમાં રૂ. 300થી 600 સુધીનો વધારો થયો છે. તેમના વપરાશનો સ્લેબ બદલાતાં યુનિટદીઠ ચાર્જમાં પણ વધારો થાય છે, જેથી બિલ વધુ ભારે થાય છે.