સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી કર્મચારીઓને રાહત: મતદાન સામગ્રી સોંપવાનો બીજો દિવસ પણ 'ચૂંટણી ફરજ' ગણાશે

ચૂંટણી કર્મચારીઓને રાહત: મતદાન સામગ્રી સોંપવાનો બીજો દિવસ પણ 'ચૂંટણી ફરજ' ગણાશે

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કર્મચારીઓની ફરજના સમયગાળા અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ પેટાચૂંટણીમાં 11 ઓક્ટોબર, 2025ના રોજ મતદાન યોજાશે.

આયોગના જણાવ્યા મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ મતદાન સામગ્રી પરત સોંપાય ત્યાં સુધીની કામગીરી ચૂંટણી ફરજ ગણાશે. સામાન્ય રીતે મતદાન કર્મચારીઓ મતદાન પૂર્ણ થયા બાદ રિસીવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે સામગ્રી પરત સોંપે છે. આથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ સામગ્રી પરત સોંપવાની કામગીરીમાં સમય લાગે છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને, આયોગે નિર્ણય લીધો છે કે જે મતદાન કર્મચારીઓ બીજા દિવસે તેમની મૂળ કચેરીએ હાજર રહી શકતા નથી અને તેમની ચૂંટણી ફરજના કારણે મતદાનના બીજા દિવસે પણ તેમની હાજરી જરૂરી બને છે, તેવા કર્મચારીઓ માટે તે દિવસ પણ ચૂંટણી ફરજનો દિવસ ગણવામાં આવશે.

આવા કર્મચારીઓને બીજા દિવસે તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાની જરૂર રહેશે નહીં. તેઓ ચૂંટણી ફરજ પૂર્ણ કરીને મતદાન સામગ્રી સોંપવાની કામગીરી પૂરી કરશે.