સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં મોલ, કાફે અને રેસ્ટોરન્ટ હવે 24x7 ખુલ્લા રાખી શકાશે, વિધાનસભામાં બિલ પસાર

ગુજરાતમાં મોલ, કાફે અને રેસ્ટોરન્ટ હવે 24x7 ખુલ્લા રાખી શકાશે, વિધાનસભામાં બિલ પસાર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ બિલ-2026' બહુમતથી પસાર થયું છે. આ બિલ પસાર થતાં હવે રાજ્યમાં મોલ, કાફે, રેસ્ટોરન્ટ અને દુકાનો 24x7 ખુલ્લી રાખી શકાશે.

ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે વિધાનસભામાં આ બિલ અંગેની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, વ્યવસાયો માટે કાયદાકીય પ્રક્રિયાઓને સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે આ વિધેયક લાવવામાં આવ્યું છે. આ બિલ હેઠળ રાજ્યના પાંચ જુદા જુદા કાયદાઓની 12 કલમોમાં સુધારા કરવામાં આવ્યા છે.

બિલ હેઠળ કરાયેલા મુખ્ય સુધારાઓ આ પ્રમાણે છે:

દુકાનો 24x7 ખુલ્લી રહેશે: શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટમાં સુધારો કરાયો છે. રજિસ્ટ્રેશન માટે સેલ્ફ-ડિક્લેરેશન (સ્વ-પ્રમાણીકરણ)ની નીતિ અપનાવાશે. નિયમો અને શરતોનું પાલન કરીને દુકાનો અને વેપારી સંસ્થાઓ અઠવાડિયાના કોઈ પણ દિવસે 24 કલાક ચાલુ રાખી શકાશે.

ફાયર સેફ્ટી નિયમોમાં સુધારો: ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ ફાયર સેફ્ટીના ધોરણોને બિલ્ડિંગના પ્રકાર અને જોખમના આધારે બનાવવામાં આવ્યા છે. તેનાથી બિનજરૂરી કમ્પ્લાયન્સ ખર્ચ ઘટશે.

MSME માટે સરળ નિયમો: MSME ફેસિલિટેશન એક્ટ હેઠળ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 'રાઇટ ટુ બિઝનેસ'નું માળખું મજબૂત કરાશે. વીજળી, જીઆઈડીસી, સહકારી અને સિંચાઈ જેવા વધુ આઠ કાયદાઓને આ ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે જોડવામાં આવ્યા છે.

ડૉક્ટરોની નોંધણી સરળ બનશે: મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સુધારો કરાયો છે. અન્ય રાજ્યોમાં નોંધાયેલા તબીબો ગુજરાતમાં સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ઝડપથી રજિસ્ટ્રેશન મેળવી શકશે.

સરકારી સેવાઓમાં ઓટો-અપીલ: રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટમાં સુધારો કરાયો છે. નિયત સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ ન થાય તો ટેકનોલોજીની મદદથી મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ 'ઓટો-અપીલ' થઈ જશે.

ઉદ્યોગ રાજ્યમંત્રીએ કહ્યું કે, બિનજરૂરી કાયદાકીય જટિલતાઓ દૂર કરીને અને પરવાનગીની પ્રક્રિયામાં ભૌતિક સંપર્ક ઘટાડીને ટેકનોલોજી આધારિત શાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સુધારાઓથી રાજ્યમાં રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થશે.