ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત સમય (ડિસેમ્બર ૨૦૨૭) પહેલાં યોજાઈ શકે છે, એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. વડાપ્રધાનની ગુજરાતની વારંવારની મુલાકાતોને આ ચર્ચાનું કારણ માનવામાં આવી રહ્યું છે. ૩૦-૩૧ ઓક્ટોબર પછી ૧૩-૧૪ નવેમ્બરે તેઓ ગુજરાતમાં હતા અને ૧૯ નવેમ્બરે ફરી જામનગર આવવાની શક્યતા છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પ્રવાસો વહેલી ચૂંટણીની તૈયારીનો સંકેત હોઈ શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વહેલી ચૂંટણી પાછળ એક મોટું કારણ રાજ્યમાં તોળાઈ રહેલું દુષ્કાળનું સંકટ છે. નબળા ચોમાસાને કારણે પાણી, ઘાસચારો અને સિંચાઈની તંગી ઊભી થઈ શકે છે. સરકારને ભય છે કે ઉનાળામાં દુષ્કાળની કપરી સ્થિતિ અને રાહત કામગીરીની નિષ્ફળતાનો રોષ જનતા સીધો સરકાર પર ઠાલવશે. તેથી, દુષ્કાળની અસર વર્તાય તે પહેલાં ટૂંકું બજેટ સત્ર બોલાવી, વિધાનસભા ભંગ કરીને ચૂંટણી જાહેર કરવાની દિશામાં ગંભીર મંથન ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.
આ ઉપરાંત, છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન રહ્યું છે, જેને કારણે જનતામાં સત્તાવિરોધી (એન્ટિ-ઇન્કમ્બન્સી) લહેર પેદા થઈ હોવાનો અહેસાસ ભાજપના ટોચના નેતાઓને આંતરિક સર્વેમાં થયો છે. વિપક્ષ અને જાગૃત નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જ્યારે રાજ્ય દુષ્કાળના ઉંબરે ઊભું છે અને ખેડૂતો-પ્રજાને સરકારની મદદની સૌથી વધુ જરૂર છે, ત્યારે તંત્રને રાહત કામગીરીમાં લગાવવાને બદલે ભાજપ સરકાર પોતાની ખુરશી બચાવવા ચૂંટણી તરફ વળી રહી છે.
વડાપ્રધાનની મુલાકાતો દરમિયાન લોકાર્પણો અને ભાવનાત્મક મુદ્દાઓ દ્વારા સત્તા જાળવી રાખવાની કોશિશ થઈ રહી હોવાનું પણ જણાય છે. જો કે, શાણી જનતા આ ચાલને ઓળખીને પોતાના પાયાના પ્રશ્નોનો હિસાબ માગશે કે કેમ, એ જોવાનું રહેશે.
દરમિયાન, રાજ્યમાં સરકારની નીતિઓ અને વહીવટી નિષ્ફળતાઓને કારણે બહોળો વર્ગ નારાજ છે. પાક નિષ્ફળ જવા છતાં પૂરતું વળતર ન મળવું, ખાતર-બિયારણની અછત, ટેકાના ભાવના પ્રશ્નો અને ખેતીની જમીનો પર ઊભા કરાતા વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, નબળા બાંધકામો (પુલ અને રસ્તાઓનું ધોવાણ), ગુંડાગીરી અને અસામાજિક તત્વોના ત્રાસ સામે સરકાર વામણી પુરવાર થઈ હોવાની લાગણી પ્રજામાં છે. સામાન્ય મધ્યમ વર્ગ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે અને શિક્ષિત યુવાનો સરકારી ભરતીના અભાવે હતાશ છે.