સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ઈ-ચલણ બાકી હોય તો વાહન જપ્ત, PUC અને વીમો પણ મળશે નહીં

ગુજરાતમાં ઈ-ચલણ બાકી હોય તો વાહન જપ્ત, PUC અને વીમો પણ મળશે નહીં

ગુજરાતમાં જો તમારા વાહનનું ઈ-ચલણ બાકી હોય તો હવે તેને હળવાશથી લેવાનું નહીં. ઈ-ચલણ ન ભરવાથી તમારું વાહન જપ્ત થઈ શકે છે. આ ઉપરાંત, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) પણ મળશે નહીં.

દેશભરમાં ઈ-ચલણની બાકી રકમ 49 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી છે. ગુજરાત આ મામલે ટોપ-5 રાજ્યોમાં છે, જ્યાં વાહનચાલકોએ 1,608 કરોડ રૂપિયાના ઈ-ચલણ ભર્યા નથી. આટલી રકમમાં અમદાવાદનો અટલ બ્રિજ 21 વખત બની શકે અથવા ઓખા-બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ કરતાં 1.6 ગણી વધુ છે.

સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે વાહનચાલકો મોટા પ્રમાણમાં દંડ ભરતા નથી. કોર્ટે સૂચન કર્યું છે કે બાકી ઈ-ચલણની રકમ વીજળી બિલમાં ઉમેરી દેવી જોઈએ. જોકે, આ શક્ય છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર કચેરીના નિવૃત્ત સંયુક્ત નિયામક જે.એન.બારેવાડિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બ્લેકલિસ્ટ કરવા માટે એક માપદંડ નક્કી કરવો પડશે. જો કોઈ વાહનચાલક ત્રણ કે તેથી વધુ ચલણ હોવા છતાં દંડ ન ભરે તો તેને બ્લેકલિસ્ટ કરી શકાય. બ્લેકલિસ્ટ થયેલા વાહનનો વીમો લઈ શકાય નહીં, તેનો ડેટા એક્સેસ કરી શકાય નહીં, વાહન ટ્રાન્સફર થઈ શકે નહીં, કોઈ ડોક્યુમેન્ટ અપલોડ થઈ શકે નહીં અને ડુપ્લીકેટ આરસી બૂક પણ મળી શકે નહીં. ઈ-ચલણ ભર્યા પછી જ ડેટા એક્સેસ શક્ય બનશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલાં મેન્યુઅલી દંડ બાકી હોય તો આરસી બૂક કે અન્ય કામ અટકાવવામાં આવતા. હવે ડિજિટલાઈઝેશનથી સીધું જ દેખાય છે કે ઈ-ચલણ બાકી છે. લાઇટ બિલ સાથે ઈ-ચલણ જોડવા અંગે તેમણે કહ્યું કે, વાહન રજિસ્ટ્રેશન વખતે લાઇટ બિલની વિગતો ફરજિયાત માંગવામાં આવે તો આ શક્ય છે. લાઇટ બિલમાં કસ્ટમર આઈડી નંબરને વાહન રજિસ્ટ્રેશન સાથે લિંક કરી દેવાય તો દંડની રકમ ઓટોમેટિક જનરેટ થઈ શકે. AI યુગમાં આ અશક્ય નથી, પરંતુ સોફ્ટવેરમાં નાની-મોટી ભૂલો સુધારવી પડે.

ભાડૂઆત ઈ-મેમો ન ભરે તો મકાન માલિકે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વાહન જ્યાં રજિસ્ટર થયું હોય તે સરનામે જ દંડની જવાબદારી રહે છે. ગુજરાતમાં ટ્રાફિક પોલીસ સમયાંતરે ડ્રાઈવ યોજીને નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને દંડ કરે છે.