દશેરાના શુભ પર્વ પર ગુજરાતમાં વાહનોનું જબરદસ્ત વેચાણ થયું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (FADA)ના જણાવ્યા મુજબ, રાજ્યમાં એક જ દિવસમાં 11,000 કાર અને 50,000 ટુ-વ્હીલરનું વેચાણ થયું છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે 8થી 10 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
FADAના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું કે, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ખરીદી માટે આ તહેવાર ખૂબ મહત્વનો હોય છે. ગ્રાહકો લગભગ આ દિવસે જ ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. અમદાવાદમાં આશરે 6,000થી 6,500 ટુ-વ્હીલર અને 2,500થી 3,000 કારની ડિલિવરી થઈ છે.
અમદાવાદમાં સામાન્ય કારની સાથે લક્ઝરી કારનું પણ ધૂમ વેચાણ થયું. ઓડી શોરૂમના મેનેજર હર્ષભાઈએ જણાવ્યું કે, નવરાત્રિના પહેલા નોરતે અમદાવાદમાં ₹2.5 કરોડથી શરૂ થતું ઓડીનું સ્પોર્ટ્સ મોડલ વેચાયું હતું અને દશેરાએ સુરતમાં બે સ્પોર્ટ્સ કાર મોકલવામાં આવી છે, જેમાં એક ₹2.5 કરોડ અને બીજી ₹3.5 કરોડની છે. ઓડી Q3ના નવા અને જૂના બંને મોડલની માંગ સૌથી વધુ રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે બમણી કાર વેચાઈ છે.
સુરતમાં પણ તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન સુરત આરટીઓ કચેરી ખાતે 9,888 નવા વાહનોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે, એટલે કે રોજના સરેરાશ 1,000થી વધુ નવા વાહનો ઉમેરાયા છે. દશેરાના શુભ મુહૂર્તમાં એક જ દિવસમાં કરોડો રૂપિયાની સુપર લક્ઝરી કાર્સની ડિલિવરી લેવામાં આવી હતી.
સુરતમાં દશેરાએ ₹4.50 કરોડની મર્સિડીઝ G-Wagon અને ₹1.10 કરોડની BMW M440i રોડ પર ઉતારવામાં આવી હતી. એક જ દિવસમાં મર્સિડીઝ-બેન્ઝની 15થી વધુ કાર વેચાઈ, જેમાં ₹4.50 કરોડની મર્સિડીઝ વેગન G 63 AMGનો સમાવેશ થાય છે. BMWની 12થી વધુ કાર વેચાઈ, જેમાં ₹1.10 કરોડની BMW M440i xDrive Convertible સામેલ છે. ઓડી શોરૂમમાંથી ₹2.50 કરોડ અને ₹3.50 કરોડની બે સુપર સ્પોર્ટ્સ કાર રસ્તા પર ઉતારવામાં આવી.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન સુરતમાં ₹50 લાખથી ₹1.50 કરોડથી વધુ કિંમતની કુલ 14 સુપર લક્ઝરી કારનું આરટીઓ રજિસ્ટ્રેશન થયું. આમાં સૌથી વધુ 7 કાર સાથે BMW મોખરે રહી, જેમાં BMW X7, 320Ld, X1, ઇલેક્ટ્રિક iX1 અને મિની કન્ટ્રીમેનનો સમાવેશ થાય છે. મર્સિડીઝ બેન્ઝની 3 કાર (GLE 300D, GLC 220D અને E-Class 220D), ટેસ્લાની 3 પ્રીમિયમ Model Y ઇલેક્ટ્રિક કાર અને ઓડીની 1 Audi Q3 રજિસ્ટર્ડ થઈ. સુરતના બિઝનેસ ક્લાસમાં લક્ઝરી સાથે હાઈ-એન્ડ EV ખરીદવાનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળ્યો.
ટુ-વ્હીલર સેગમેન્ટમાં સુરતમાં 7,594 વાહનો નોંધાયા, જે કુલ વાહનોના 76%થી વધુ છે. હોન્ડા 3,562 વાહનો સાથે ટોચ પર રહી, જ્યારે TVS 1,190 અને હીરો મોટોકોર્પ 1,179 વાહનો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા. કાર સેગમેન્ટમાં મારુતિ સુઝુકી મોખરે રહી અને કુલ 1,495 પ્રાઇવેટ કાર નોંધાઈ.