દશેરાના દિવસે ગુજરાતભરમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના વિવિધ શહેરોમાં શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં થલતેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય આતશબાજી સાથે રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાડજના હરે કૃષ્ણ મંદિર અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે 61 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
સુરતના વેસુમાં આ વર્ષે 80 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું. આ વિશાળ પૂતળો આગ્રાના મુસ્લિમ કારીગરોએ તૈયાર કર્યો હતો. તેમાં રિમોટ આધારિત છત્રી અને ખાસ ઇફેક્ટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ડુમસમાં સ્થાનિક યુવાનોએ ₹3 લાખના ખર્ચે 55 ફૂટ ઊંચો રોબોટિક રાવણ તૈયાર કર્યો હતો, જેમાં ‘સિક્સ પેક એબ્સ’ની ખાસ રચના હતી. આ કાર્યક્રમમાં કલાકારોએ રામલીલાનું પણ આયોજન કર્યું હતું. ભગવાન રામથી લઈને રાવણ સુધીના પાત્રોના વેશ ધારણ કરીને લોકો રાવણ દહન કાર્યક્રમમાં જોડાયા હતા.
રાજકોટમાં પણ રાવણ દહન જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ખેડામાં રાહુલ ગાંધીને રાવણ દર્શાવીને પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેના કારણે ચર્ચા શરૂ થઈ છે.