દશેરાના પર્વે ગુજરાતમાં ઠેર-ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં ભવ્ય આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. 'જય શ્રીરામ'ના નાદ સાથે અનિષ્ટ પર ઇષ્ટના વિજયની ઉજવણી કરાઈ હતી.
જામનગરમાં વિજયાદશમીએ રાજપૂત ક્ષત્રિય સમાજના શસ્ત્રપૂજનમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી રિવાબા જાડેજાએ રિવોલ્વરની પૂજા કરી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા પરંપરા અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રાજકોટ, વડોદરા અને સુરત પોલીસ હેડક્વાર્ટરમાં પણ વિજયાદશમીએ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હથિયારો, વાહનો, ડ્રોન અને શ્વાન દળની પૂજા કરાઈ હતી. પોલીસ અધિકારીઓએ શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ લીધો હતો.
દશેરાના પર્વ પર રાજ્યભરમાં ફાફડા-જલેબી અને મીઠાઈની જ્યાફત ઉડાવવામાં આવી હતી. ફરસાણની દુકાનો પર વહેલી સવારથી લાંબી લાઇનો લાગી હતી. ફાફડાના ભાવ 1000 રૂપિયા સુધી પહોંચ્યા છતાં કરોડોનો વ્યાપાર થયો હતો.
રૂપાલમાં પલ્લી મંદિરે પરત ફરતાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. ગામના રસ્તાઓ પર ઘીની નદી વહી હતી. ભક્તોએ ઘી એકઠું કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વરદાયિની માતાજીનાં દર્શન કરી પૂજા કરી હતી.
વડોદરામાં યુસુફ પઠાણને 15 કરોડનો ફાયદો કરાવતી પ્લોટ ફાળવણીની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાઈ છે. 500 ચોરસ મીટર જમીન ભેટમાં અને બાકીની જમીન 55% કિંમતે આપવાની દરખાસ્ત છે.
ગાંધીનગરના અડાલજ પાસે ગરબા રમીને પરત ફરતી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે યુવતી અને એક યુવકનાં મોત થયાં હતાં. મૃતક આસ્થા MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
ભરૂચ-બનાસકાંઠામાં અકસ્માતની ત્રણ ઘટનાઓમાં 8 લોકોનાં મોત થયાં હતાં. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર-આઈસર અથડાતા 3નાં મોત થયાં હતાં, જ્યારે બનાસકાંઠામાં રિક્ષા અને બાઈકને ટક્કર વાગતા 5નાં મોત થયાં હતાં.
સુરતમાં અઢી વર્ષના બાળકનું માથું તપેલીમાં 4 કલાક ફસાયું હતું. હોસ્પિટલમાં પણ ન નીકળતાં ફાયર ટીમે કટરથી તપેલી કાપી હતી. 20 મિનિટની જહેમત બાદ બાળકને હેમખેમ બહાર કઢાયું હતું.
ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 1,143 થઈ છે. બી.કોમમાં સૌથી વધુ 301 એડમિશન થયાં છે, જ્યારે રજિસ્ટ્રેશનમાં 6 ગણો વધારો નોંધાયો છે.