ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ગુજરાત રિજન તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વરસાદની કોઈ શક્યતા નથી. સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે.
લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આગામી બે દિવસ સુધી તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, ત્યારબાદના બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. હાલ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 18.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
આગામી દિવસોમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને ગાંધીનગરમાં 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. ઉપરાંત, ગુજરાતના ખુલ્લા વિસ્તારોમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ સિસ્ટમ 72 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 32 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સ્થિત છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં, ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.