ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી અને લઘુત્તમ તાપમાનમાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપમાન સામાન્ય રીતે જેટલું છે તેટલું જ રહેશે.
હાલમાં ગુજરાતના મેદાની વિસ્તારોમાં પવન ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાઈ રહ્યો છે. ઉપરાંત, ગુજરાતની આસપાસ 68 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 32 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર એક પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય છે. આ સ્થિતિના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વડોદરામાં 17 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
આગામી સમય માટે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 19 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.