ગુજરાતમાં નશાખોરીનો કારોબાર ધમધમી રહ્યો છે. રાજ્યમાં અંદાજે 40 લાખ લોકો દારૂ, ચરસ, ગાંજો, અફીણ કે સિન્થેટિક ડ્રગ્સના બંધાણી છે. આમાંથી 20 લાખ લોકો દારૂના વ્યસની છે, જ્યારે બાકીના 20 લાખ લોકો અન્ય નશાના રસ્તે ચડ્યા છે.
રાજ્ય સભામાં રજૂ કરાયેલા 'નેશનલ સબસ્ટેન્સ યુઝ સર્વે 2023' મુજબ, ગુજરાતમાં 9 લાખ લોકો પીડાશામક (પેઇનકિલર કે સેડેટિવ્સ) દવાઓનો નશો કરે છે. 2 લાખથી વધુ મહિલાઓ પણ ગાંજો, ભાંગ કે દવાની લતે ચડી છે. વર્તમાન બિનસત્તાવાર અહેવાલો અનુસાર, 1 લાખથી વધુ યુવક-યુવતીઓ સિન્થેટિક ડ્રગ્સ અને નશીલી દવાઓનો ઉપયોગ કરે છે.
કોરોના મહામારી પછી સિન્થેટિક ડ્રગ્સ અને નશીલી દવાઓની માગમાં બમણો વધારો નોંધાયો છે. જોકે, નશાખોરોની સંખ્યા ઘટાડવા માટેના જનજાગૃતિના પ્રયાસોના આંકડા સરકારી ચોપડે ઉપલબ્ધ નથી. ગુજરાત પોલીસ અને એનસીબીએ છેલ્લા પાંચ વર્ષમાં 13,600 કરોડ રૂપિયાની કિંમતનો 1.39 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલા લોકો નશા મુક્ત થયા તેની માહિતી ઉપલબ્ધ નથી.
નશાખોરી ડામવા માટે સરકારે દરેક જિલ્લામાં 15 બેડ ધરાવતા ડી-એડિક્શન સેન્ટર કાર્યરત કર્યા છે. આ માટે રૂ. 41 કરોડની ફાળવણી કરાઈ છે. સાથે જ, ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા અને શહેરોમાં સાત દિવસમાં 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' શરૂ કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ અને સુરતમાં 2-2 વિંગ બનાવવાની યોજના છે.