સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળ: 15 જિલ્લાના 45 તાલુકા ઘટવાળા વિસ્તારો છતાં સહાય નહીં, ખેડૂતોમાં રોષ

દુષ્કાળ: 15 જિલ્લાના 45 તાલુકા ઘટવાળા વિસ્તારો છતાં સહાય નહીં, ખેડૂતોમાં રોષ

ગાંધીનગર: ગુજરાતમાં ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે હેક્ટરદીઠ આશરે ₹8,500ની સહાય જાહેર કરી છે. પરંતુ આ ચાર જિલ્લાઓ ઉપરાંત રાજ્યના 15 જિલ્લાના 45 તાલુકામાં 40%થી 70% સુધી વરસાદની ઘટ હોવા છતાં તે વિસ્તારો સહાયથી વંચિત રહ્યા છે.

વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકામાં 61.17%, જૂનાગઢના વથંલીમાં 60.26%, મહેસાણાના ઊંઝામાં 55.52% અને અરવલ્લીના માલપુરમાં 54.86% વરસાદની ઘટ છે. આમ છતાં આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી.

ગુજરાતની સાથે રાજસ્થાન સરકારે પણ દુષ્કાળ જાહેર કર્યો છે, પરંતુ ત્યાં 14 જિલ્લાના 80 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. ગુજરાતમાં તેનાથી વિપરીત માત્ર ચાર જિલ્લા પૂરતો દુષ્કાળ જાહેર કરાયો છે, જે વાસ્તવિકતાથી દૂર હોવાનું ખેડૂત આગેવાનો માને છે.

જો તાલુકા પ્રમાણે દુષ્કાળ જાહેર કરાય તો ચિત્ર વધુ સ્પષ્ટ થાય. કારણ કે કોઈ જિલ્લામાં સરેરાશ વરસાદ સારો હોય તોપણ તેના કેટલાક તાલુકામાં ભારે ઘટ હોઈ શકે. જિલ્લાના સરેરાશ વરસાદને કારણે જે ખેડૂત મુશ્કેલીમાં છે તે સહાયથી વંચિત રહી જાય છે.

સરકારના આ નિર્ણય સામે ખેડૂત સંગઠનોમાં અસંતોષ છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સહાયની રકમ અપૂરતી ગણાવી છે. તેમણે કહ્યું કે મોંઘવારીના સમયમાં વીઘાદીઠ માત્ર ₹2,000ની સહાયથી બિયારણનો ખર્ચ પણ નહીં નીકળે. સરકાર આ સહાય NDRFના નિયમો હેઠળ આપે છે, પરંતુ આ રકમ નુકસાનનું સંપૂર્ણ વળતર નથી.

આર.કે. પટેલે જણાવ્યું કે બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક તાલુકામાંથી પણ ખેડૂતોના ફોન આવી રહ્યા છે કે તેમના વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છતાં તેમને અછતગ્રસ્ત જાહેર કરાયા નથી. તેમણે જનપ્રતિનિધિઓને અપીલ કરી કે બાકાત રહેલા વિસ્તારોના પ્રતિનિધિઓએ ખેડૂતોનો અવાજ બની સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે અછત નક્કી કરતી વખતે માત્ર વરસાદના આંકડા પર નહીં, પણ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનને પણ ધ્યાનમાં લેવું જોઈએ. ક્યાંક ઓછા વરસાદ છતાં પાણીની વ્યવસ્થાથી પાક બચી શકે છે, તો ક્યાંક વધુ વરસાદ હોવા છતાં સ્થાનિક પરિસ્થિતિને કારણે નુકસાન થાય છે. તેથી આખા જિલ્લા કે તાલુકાને એકમ બનાવવાને બદલે જે ખેડૂતને વાસ્તવમાં નુકસાન થયું હોય તેને એકમ બનાવી સહાય આપવી જોઈએ.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે બનાસકાંઠામાં 40% કરતાં ઓછો વરસાદ પડ્યો છતાં જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરાયો નથી. બનાસકાંઠો પશુપાલન માટે મહત્ત્વનો જિલ્લો છે, અહીં લોકોની રોજગારી ખેતી અને પશુપાલન પર આધારિત છે. ઓછા વરસાદને કારણે ખેતીની સાથે પશુઓ માટે ઘાસચારા અને પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

ગેનીબેને ખેડૂતો અને પશુપાલકો માટે ઘાસચારા તથા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા, અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહતકામો શરૂ કરવા અને ખેડૂતોનાં ધિરાણના વ્યાજમાં માફી આપવા અથવા બેંક લોનની ચુકવણી માટે વધુ સમય આપવાની માગ કરી છે.