ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો રહેતાં ખેડૂતો અને પશુપાલકોની ચિંતા વધી ગઈ હતી. આ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 4 જિલ્લાઓને સંપૂર્ણપણે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પત્રકારો સમક્ષ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016ના ધોરણો મુજબ ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ આ નિર્ણય લેવાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું હોવાથી તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે.
ખેડૂતો માટે સહાય: અસરગ્રસ્ત પાકો માટે SDRFના ધોરણો મુજબ હેક્ટર દીઠ ₹8,500ની સહાય આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મળશે.
રોજગારી: દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સ્થાનિક સ્તરે આજીવિકા મળે તે માટે વી.બી.જી. રામ જી. યોજના હેઠળ 150 માનવદિન રોજગારી આપવામાં આવશે.
પશુપાલકો માટે સહાય: પશુ કેમ્પના પશુઓ માટે પશુ દીઠ રોજના ₹80ની સહાય 2 મહિના માટે SDRFમાંથી ચૂકવાશે, અને ત્યારબાદનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
ઘાસચારો: કિલો દીઠ માત્ર ₹2ના રાહત દરે ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1.21 કરોડ કિલોગ્રામ ઘાસનું વિતરણ થયું છે, અને સરકાર પાસે હાલ 3 કરોડ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે. જરૂર પડ્યે વધુ ઘાસ ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.
પાણીની સ્થિતિ: ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય 206 ડેમોમાં 66 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ખરીફ સીઝનમાં ખેડૂતોની માંગ મુજબ 44 ડેમોના કમાન્ડ એરિયામાં સિંચાઈ માટે પૂરતું પાણી આપવામાં આવ્યું હતું.
આગામી રવિ સીઝન માટે પણ સરકારે આયોજન કર્યું છે. 30 જૂન 2027 સુધી પીવાનું પાણી અનામત રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે આપવામાં આવશે. જે હેઠળ રાજ્યના 76 ડેમોના કમાન્ડ વિસ્તારમાં ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવશે.
પાણીની ઉપલબ્ધિના આધારે ખેડૂતોના પાક માટે 1 થી 4 પાણી આપવાનું આયોજન કરાયું છે. જેમાં ઉત્તર ગુજરાતના ધરોઈ અને દાંતીવાડા સહિત 11 ડેમો, મધ્ય ગુજરાતના કરજણ અને પાનમ સહિત 12 ડેમોનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતના ઉકાઈ, કાંકરાપાર અને દમણગંગા સહિત 9 ડેમો, સૌરાષ્ટ્રના શેત્રુંજી, બ્રાહ્મણી અને મચ્છુ સહિત 39 ડેમો તેમજ કચ્છના 5 ડેમોમાંથી ખેડૂતોને રવિ પાક માટે પૂરતું પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે.
આ તમામ રાહતલક્ષી નિર્ણયોનો અમલ 1 નવેમ્બર 2026થી શરૂ કરી દેવામાં આવશે.