ગુજરાત સરકારે નબળા ચોમાસા અને પાણીની અછતને પગલે પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ ચાર જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો છે, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં આ વખતે સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો છે, પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં વરસાદ ઓછો રહ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને પાક નુકસાન સામે પ્રતિ હેક્ટર 8,500 રૂપિયાની સહાય આપવામાં આવશે, જે મહત્તમ બે હેક્ટર સુધી મળશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઠેર ઠેર પાણીની અછતના અહેવાલો સામે આવી રહ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર છે. સૌની યોજના દ્વારા પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક જિલ્લામાં પાણીની તંગી ઊભી થઈ છે. નદીઓ અને તળાવો સુકાઈ રહ્યા છે, ડેમમાં પાણીનું સ્તર ઘટ્યું છે અને નર્મદા ડેમમાં પણ પાણીની સપાટી નીચે આવી છે.
આગામી ચોમાસા સુધી પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગે સરકારે ઉચ્ચ સ્તરે ચર્ચા કરી છે અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે.
સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પશુપાલકો અને માલધારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ઘાસચારાના ઊંચા ભાવને કારણે ઘણા પરિવારો પોતાના પશુઓનું ભરણપોષણ કરી શકતા નથી અને કેટલાકને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
માલધારી સમાજે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક આર્થિક રાહત પેકેજ, રાહત દરે ઘાસચારો, કેટલ કેમ્પ અને પાણીની ટેન્કર સુવિધા જેવી માંગણીઓ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો પશુધન સાથે માલધારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાશે.