સત્ય. સાહસ. સંકલ્પ.

અછતગ્રસ્ત 4 જિલ્લામાં પશુપાલકોને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘાસ આપવાનું આયોજન

અછતગ્રસ્ત 4 જિલ્લામાં પશુપાલકોને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘાસ આપવાનું આયોજન

ગાંધીનગર: ચાલુ ચોમાસામાં અપૂરતા વરસાદને કારણે રાજ્યના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાઓમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ ચારેય જિલ્લાના પશુપાલકો માટે રાહત દરે ઘાસ પૂરું પાડવાનું આયોજન કર્યું છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ 1થી 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 2 રૂપિયા પ્રતિ કિલોના દરે સરકારી ઘાસ આપવામાં આવશે. આ માટે પોરબંદરમાં ઘાસ ડેપો શરૂ કરાયો છે, અને આગામી દિવસોમાં અન્ય અછતગ્રસ્ત જિલ્લાઓમાં પણ ડેપો ખોલવામાં આવશે. જે પશુપાલકો પાસે ઘાસ કાર્ડ નથી તેમને તાત્કાલિક કાર્ડ બનાવવા અપીલ કરાઈ છે.

વરસાદની અછતને કારણે ખેતમજૂરોની આજીવિકા પર પડી શકે તેવી અસરને ધ્યાનમાં રાખીને 'જી રામ જી' યોજના હેઠળ રોજગારી ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. પીવાના પાણીની ભાવિ સમસ્યાને ટાળવા જળસંપત્તિ વિભાગ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. હાલ ફોદાળા અને ખંભાળા ડેમમાં પૂરતો જળજથ્થો છે, પરંતુ જરૂર પડ્યે નર્મદા પાઇપલાઇન માર્ગે પાણી પુરવઠો કરવાનું આયોજન છે.

પાક નુકસાની અંગે સરકારે જણાવ્યું છે કે, ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ નિયમાનુસાર આનાવારી અને સર્વે કરવામાં આવશે. ત્યારબાદ સરકારી નિયમો પ્રમાણે ખેડૂતોને વળતર આપવા અંગે નિર્ણય લેવાશે.