કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ઘાસચારો અને લીલા ચારાની તીવ્ર અછત સર્જાઈ છે. આથી માલધારીઓ અને ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. પશુ આહાર, ખોળ, ભૂંસી અને લીલા ચારાના ભાવમાં 40થી 50 ટકાનો વધારો થયો છે. ઘાસની ગઠડી 1,100 રૂપિયાથી વધીને 2,500 રૂપિયા, ખર 1,600થી વધીને 2,200 રૂપિયા અને લીલો ચારો 20થી વધીને 40 રૂપિયા થઈ ગયો છે. પરિણામે એક ગાયના નિભાવનો દૈનિક ખર્ચ 200-250 રૂપિયાથી વધીને 500 રૂપિયા સુધી પહોંચ્યો છે, એટલે કે પશુપાલન ખર્ચ બમણો થઈ ગયો છે.
રાજકોટમાં પણ ખેડૂતો અને માલધારીઓની હાલત કફોડી છે. સામાન્ય રીતે દર વર્ષે સૂકા ચારાનો ભાવ પ્રતિ મણ 250થી 300 રૂપિયા રહેતો હતો, તે વધીને 600થી 650 રૂપિયા થઈ ગયો છે. લીલા ચારાનો ભાવ પણ 50-70 રૂપિયાથી બમણો થઈને 100થી 110 રૂપિયા પહોંચ્યો છે. રાણપુર અને ભાલ વિસ્તારમાંથી માલ આવતો હોવા છતાં રાજકોટની ખડપીઠ બજારમાં ઘાસચારાની આવકમાં ભારે ઘટાડો થયો છે. સીઝન દરમિયાન સામાન્ય રીતે દરરોજ 100થી 150 ગાડીઓ આવતી હતી, તેની સામે હાલમાં માત્ર 10થી 15 ગાડીઓ જ આવી રહી છે. મોંઘવારી અને અછત વચ્ચે પશુપાલન મુશ્કેલ બનતાં માલધારીઓ અને ખેડૂતોએ સરકાર પાસે રહેલો ઘાસચારાનો સ્ટોક તાત્કાલિક રાહત દરે પૂરો પાડવાની માંગ કરી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખેડૂતો માટે પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને નાના ખાતેદારો પોતાના બાળકોથી પણ વધુ વ્હાલા બળદોને સાચવવામાં અસમર્થ બનતાં રાજકોટના 'સદભાવના બળદ આશ્રમ' ખાતે મૂકવા મજબૂર થયા છે. અત્યાર સુધીમાં 3,500થી વધુ બળદો અહીં આશ્રય લઈ ચૂક્યા છે. ટ્રેક્ટરના યુગ અને દુષ્કાળ જેવી સ્થિતિમાં વર્ષોથી કમાઈ આપનાર ખમતીધર સાથીને ખેડૂતોએ ભારે હૃદયે અને રડતા આંખે અહીં મૂક્યા છે.
આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે 25 સપ્ટેમ્બર 2026ના રોજ રાજ્યમાં સત્તાવાર રીતે દુષ્કાળની જાહેરાત કરી છે. ખરીફ 2026 સીઝનમાં નબળા ચોમાસા અને વરસાદની ભારે અછતને કારણે રાજ્યના 358માંથી 265 તાલુકાઓ એટલે કે આશરે 74 ટકા વિસ્તાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો છે. રાજ્ય સરકારે પાક માટેની લોનમાં સુધારા, જમીન મહેસૂલમાં રાહત અને વીજ બિલમાં સબસિડી સહિતના રાહતના પગલાં જાહેર કર્યા છે. સરકાર ટૂંક સમયમાં પાકને થયેલા નુકસાન માટે નાણાકીય સહાયની જાહેરાત કરશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ જિલ્લા કલેક્ટર્સને પાકને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરવા અને રાહતના પ્રયાસોમાં ખેડૂતોનું પૂરતું ધ્યાન રખાય તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.