સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાતની માંગ: જૂનાગઢ, પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાતની માંગ: જૂનાગઢ, પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં

જૂનાગઢ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ભારે ઘટના કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મગફળી, સોયાબીન, કપાસ, એરંડા, ગવાર અને બાજરી જેવા મુખ્ય પાકો સુકાઈને નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. કૂવા-બોરના તળિયા ઊંડા ઊતરી ગયા છે, જેથી પીવાના અને સિંચાઈના પાણીનું સંકટ ઊભું થયું છે.

જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક અછત અને દુષ્કાળ જાહેર કરવાની, પાક વીમા અને વળતર સહિત રાહત પેકેજ આપવાની તથા ડેમોમાંથી સિંચાઈ અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

પાટણ જિલ્લામાં કપાસ, એરંડા અને ગવારનો ઉભો પાક સુકાઈને પીળો પડી રહ્યો છે. વાવેતર સમયે બિયારણ, ખાતર અને દવાઓ પાછળ વીઘાદીઠ હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ખેડૂતો સામે પાક નિષ્ફળ જવાનું સંકટ તોળાઈ રહ્યું છે. કપાસનું ઉત્પાદન અડધાથી પણ ઘટી જવાની અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાવાની ભીતિ છે. ખેડૂતોએ પાટણ જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી, કેનાલોમાં પાણી છોડવા અને પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક વળતર આપવાની માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં નહિવત વરસાદ અને સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. સીમાડાના માંડલ, અનાપુર, કુંડી, રવિયા અને એડાલ જેવા ગામોમાં બાજરી અને મગફળીના ઉભા પાક સુકાઈને બરબાદ થઈ રહ્યા છે. ભૂગર્ભજળ 1200 ફૂટે પહોંચ્યું છે અને કેનાલ કે તળાવની સુવિધા ન હોવાથી ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન વેઠી વહેલી લણણી કરવા મજબૂર બન્યા છે. પીડિત ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના 15 મુદ્દાની માંગણીઓને લઈને ભારતીય કિસાન સંઘે પાલનપુરમાં મહારેલી અને સભાનું આયોજન કર્યું હતું. જોડનાપુરથી નીકળેલી રેલી કલેક્ટર કચેરી પહોંચી, જ્યાં ખેડૂતોએ મુખ્ય માર્ગ પર બેસીને ચક્કાજામ સર્જ્યો. બે કલાક સુધી રસ્તો બંધ રહેતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. જિલ્લા કલેક્ટરે ધરણા સ્થળે પહોંચી આવેદનપત્ર સ્વીકારતાં મામલો થાળે પડ્યો. કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી અને માંગણીઓ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી.