સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને હેક્ટરદીઠ 8,500 રૂપિયા પૂરતા નથી, પાલ આંબલિયાની 6 માંગ સાથે 12 નવેમ્બરથી આંદોલનની ચેતવણી

દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને હેક્ટરદીઠ 8,500 રૂપિયા પૂરતા નથી, પાલ આંબલિયાની 6 માંગ સાથે 12 નવેમ્બરથી આંદોલનની ચેતવણી

ગુજરાત સરકારે રાજ્યના ચાર જિલ્લા — દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર —ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણય સામે ખેડૂત નેતા પાલ આંબલિયાએ તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે.

તેમણે સહાયની રકમને ખેડૂતો સાથેની "ક્રૂર મજાક" ગણાવી છે. સરકાર પોતાનો નિર્ણય બદલે નહીં તો 12 નવેમ્બરથી ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચેતવણી પણ તેમણે આપી છે.

સહાયની રકમ પર પ્રહાર

સરકારે એસડીઆરએફ (SDRF)ના ધારાધોરણ મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ 8,500 રૂપિયાની સહાય જાહેર કરી છે. આ આંકડા પર પ્રહાર કરતાં પાલ આંબલિયાએ કહ્યું કે ખેડૂતોની મજબૂરીની આ રીતે મજાક ઉડાવવી યોગ્ય નથી. ખેડૂતો ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે આ સહાય અપૂરતી છે. તેમણે સરકારને આ નિર્ણયમાં તાત્કાલિક ફેરવિચારણા કરવાની ભલામણ કરી છે.

જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય ન લેવાય તો 12 નવેમ્બરે સરકાર સામે લડતનું રણશિંગું ફૂંકાશે, તેમ તેમણે સ્પષ્ટ કર્યું છે.

દુષ્કાળ જાહેર થાય ત્યારે સરકારે શું કરવું જોઈએ

દુષ્કાળની સ્થિતિમાં સરકારની જવાબદારીઓ યાદ અપાવતાં પાલ આંબલિયાએ છ મુખ્ય માંગ રજૂ કરી છે:

1. ખેડૂતોનું વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવું.

2. પશુઓને પૂરતો ઘાસચારો મળે તે માટે દર 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર ખોલવા.

3. સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે રાહતકામો તાત્કાલિક શરૂ કરવા.

4. મૂંગા પશુઓ માટે નવી પાંજરાપોળ ખોલવી અને નોંધાયેલી ગૌશાળાઓમાં પશુદીઠ દૈનિક સહાય ચૂકવવી.

5. અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના શુદ્ધ પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવી.

6. ખેડૂતોને પાક નુકસાનીની વળતર સાથે પાકવીમાનો લાભ પણ આપવો.

પાકવીમા યોજના બંધ કરવા અંગે આક્રોશ

સરકારની નીતિઓની ટીકા કરતાં તેમણે જૂના વખતનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે પહેલાં કોંગ્રેસની સરકારમાં દુષ્કાળના વર્ષમાં ખેડૂતોને 150 ટકા જેટલું પાકવીમા વળતર મળતું હતું અને સાથે SDRFનો લાભ પણ મળતો, જેથી સંકટ સમયે મોટો આર્થિક ટેકો મળી રહેતો.

પરંતુ વર્તમાન સરકારે પાકવીમા યોજના બંધ કરી દીધી છે. આ યોજના બંધ કરવી ખેડૂતો સાથે અન્યાય છે, તેવો આક્ષેપ તેમણે કર્યો છે. માત્ર 8,500 રૂપિયાની સહાયથી ખેડૂતોની તકલીફ દૂર થશે નહીં, તેમ તેમણે ઉમેર્યું.