સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત સર્વે બાદ જ: મંત્રી બાવળિયા

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત સર્વે બાદ જ: મંત્રી બાવળિયા

ગુજરાતમાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી ગઈ છે. કયા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત કે અર્ધદુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સરકાર અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. સરકાર પોતાની યોજનાઓના ફાયદા ગણાવી રહી છે, જ્યારે ખેડૂત નેતાઓ જમીની વાસ્તવિકતાનો હવાલો આપી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ખેતી અને પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યની જનતા સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહી છે.

રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે, ખેત ઉત્પાદનના આંકડા અને વિસ્તૃત સર્વે બાદ જ દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત કરવામાં આવશે. તેમના કહેવા મુજબ, દ્વારકા અને પોરબંદર સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ખેત ઉત્પાદનના પ્રાથમિક આંકડા તૈયાર કરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ જ આગળની સત્તાવાર કાર્યવાહી થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલની સરકારી યોજનાઓને કારણે અગાઉના દાયકાઓ જેવી ગંભીર દુષ્કાળની સ્થિતિ રહી નથી. સરકાર પાસે પીવાના પાણી અને ઘાસચારાનું પૂરતું આયોજન છે.

મંત્રી બાવળિયાએ વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં તળાવોની આસપાસ ઘાસ ઉગાડવા માટે સ્થાનિક તંત્રને જરૂરી આદેશ આપી દેવામાં આવ્યા છે. સિંચાઈના પાણી અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, સરકારની પ્રથમ પ્રાથમિકતા પીવાનું પાણી છે. પીવાનું પાણી રિઝર્વ રાખ્યા બાદ જો જથ્થો બચશે તો જ તે સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવશે. આ ઉપરાંત, 'સૌની યોજના' મારફતે જે વિસ્તારોમાં પાણીની વધુ જરૂરિયાત છે, ત્યાં પૂરતું પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

મંત્રીના આ દાવાઓ પર કિસાન નેતા પાલ આંબલિયાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે મંત્રી કુંવરજી બાવળિયાને દ્વારકા જિલ્લાના ગામડાઓની રૂબરૂ મુલાકાત લેવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. આંબલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, નેતાઓએ માત્ર સોશિયલ મીડિયા પર રીલ બનાવવાથી બહાર આવીને વાસ્તવમાં લોકોને ઘાસચારો અને પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ. તેમણે સરકારને સર્વેના નાટકો બંધ કરવાની અપીલ કરી છે અને નિયમો મુજબ ખેડૂતોને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લાભો આપવાની ઉગ્ર માંગણી કરી છે.

સ્થાનિક પરિસ્થિતિનો ચિતાર આપતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, અનેક ગામડાઓમાં 8 થી 28 દિવસ સુધી પીવાનું પાણી ન આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી રહી છે. સરકારે શરૂ કરેલા ઘાસચારા વિતરણ કેન્દ્રો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. પૂરતો ઘાસચારો ન મળવાને કારણે માલધારીઓની હાલત કફોડી બની છે. પોતાના પશુધનને બચાવવા માટે માલધારીઓ પોતાના વતનથી અન્ય વિસ્તારોમાં હિજરત કરવા મજબૂર બન્યા છે. આ સ્થિતિ સરકારના દાવાઓની પોલ ખોલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.