રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. રાજ્યના 12 જિલ્લામાં 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં સહાય માટે હેક્ટર દીઠ 8,500 રૂપિયાની જાહેરાત કરાઈ છે, જેને લઈને સહાયમાં કંજૂસાઈ કરાઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
આ સાથે જ રાજ્યમાં અન્ય ઘટનાઓ પણ બની છે. ગાંધીનગરમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદીના પિતા અંગેના વિવાદિત નિવેદન સામે ભાજપ કાર્યકરોએ ઘ સર્કલ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ, કોંગ્રેસે પોલીસ દમન, તાનાશાહી અને ખોટા પોલીસ કેસોના આક્ષેપ સાથે ગાંધીનગર પોલીસ ભવનમાં હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન અમિત ચાવડા સહિતના કાર્યકર્તાઓ સાથે પોલીસનો ઘર્ષણ થયો હતો.
ભરૂચની જામા મસ્જિદના વિવાદમાં હાઈકોર્ટે સુનાવણી કરી છે. કોર્ટે ASI, મસ્જિદ ટ્રસ્ટ કમિટી, ભરૂચ કલેક્ટર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે મસ્જિદનું સંરક્ષણ જરૂરી છે.
સુરતમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર પહેલા માળેથી પટકાતા સાડા ત્રણ ફૂટનો સળિયો એક યુવકની ખોપરી, આંખ અને હાથમાંથી પસાર થઈ ગયો હતો. ચાર કલાકની સર્જરી બાદ યુવક વેન્ટિલેટર પર છે અને તેની હાલત ગંભીર છે.
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી એક કારખાનેદાર દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે 8 લાખ રૂપિયાના 21 લાખ ચૂકવ્યા બાદ રોજના 70 હજાર રૂપિયા ચૂકવવાના હતા. રકમ ન ચૂકવી શકતા તેમણે જીવન ટૂંકાવ્યું હતું.
વડોદરામાં 19 વર્ષની યુવતીએ પતિના ત્રાસથી એસિડ ગટગટાવીને આપઘાત કર્યો છે. લગ્નને છ મહિના થયા હતા. તેણે પરિવાર સાથે વાત કરીને વહેલી સવારે એસિડ પીધું હતું.
વાપીમાં એક યુવક-યુવતીએ શ્વાનને એક્ટિવા પાછળ બાંધીને ઢસડ્યું હતું. આ અમાનવીય કૃત્ય બાદ બંને ફરાર થઈ ગયા છે. જીવમૈત્રી ગ્રુપે કડક કાર્યવાહીની માગ કરી છે.
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં અંડરટ્રાયલ કેદીનું મોત થયું છે. જેલમાં પરસેવો વળી જવા અને ઊલટી થવાથી તેને સિવિલ હોસ્પિટલના MICUમાં ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કેનેડામાં અકસ્માતમાં ત્રણ ભારતીયોના મોત થયા છે. જેમાં ગાંધીનગરના દશેલા ગામના યુવકનું પણ મોત થયું છે. મિત્રની બર્થ ડે પાર્ટીમાં જતી વખતે આ અકસ્માત થયો હતો. દીકરાનો મૃતદેહ મેળવવા માટે પિતાએ સરકારને વિનંતી કરી હતી.