સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળગ્રસ્ત જાહેર: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને રાહત

દુષ્કાળગ્રસ્ત જાહેર: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને રાહત

રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ નિર્ણય ખેડૂતો અને પશુપાલકોના હિતમાં લેવામાં આવ્યો છે.

સરકારે જણાવ્યું કે આપત્તિના સમયમાં ખેડૂતો અને પશુપાલકોને સહાય કરવા સરકાર પ્રતિબદ્ધ છે. આ ચારેય જિલ્લામાં પાકને થયેલા નુકસાન સામે SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને રૂ. 8,500ની સહાય ચૂકવવામાં આવશે.

દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં પશુ કેમ્પના પશુઓ માટે પશુ દીઠ રોજના રૂ. 80ની સહાય બે મહિના માટે SDRFમાંથી ચૂકવવામાં આવશે. ત્યારબાદ આ સહાયનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલો ઘાસનું વિતરણ રૂ. 2 પ્રતિ કિલોના રાહતદરે કરવામાં આવ્યું છે. સરકાર પાસે હાલ 3 કરોડ કિલો ઘાસ ઉપલબ્ધ છે અને વધારાના ઘાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળે તે માટે વીબીજીરામજી યોજના હેઠળ 150 માનવદિન રોજગારી આપવાનો નિર્ણય પણ કરાયો છે.

રાજ્ય સરકારે રવિ સિઝન માટે 76 ડેમોના કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કર્યું છે. સાથે જ પીવાના પાણીને પ્રાથમિકતા આપી 30 જૂન 2027 સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.