સત્ય. સાહસ. સંકલ્પ.

દુષ્કાળ જાહેરાત પર વિવાદ: માત્ર ૪ જિલ્લા પર સવાલ, અમિત ચાવડાનો સરકાર પર પ્રહાર

દુષ્કાળ જાહેરાત પર વિવાદ: માત્ર ૪ જિલ્લા પર સવાલ, અમિત ચાવડાનો સરકાર પર પ્રહાર

રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસે આ મુદ્દે સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસે ખેડૂતોના મુદ્દે સતત રજૂઆત કરી હતી, છતાં સરકારે માત્ર ચાર જિલ્લાઓને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.

અમિત ચાવડાએ માંગ કરી છે કે જ્યાં પણ વરસાદ ઓછો થયો છે તે તમામ જિલ્લાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે સરકારે જાહેર કરેલી સહાય નુકસાનના પ્રમાણમાં ઘણી ઓછી છે.

કોંગ્રેસ નેતાએ બે હેક્ટર દીઠ રૂ. ૮,૫૦૦ની સહાયના ધોરણમાં વધારો કરીને ખેડૂતોને વધુ સહાય ચૂકવવાની માંગ કરી છે. તેમણે સવાલ પણ ઉઠાવ્યો કે સરકારે આટલા દિવસો સુધી રાહ કેમ જોઈ?

અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિમાં છે અને આટલી ઓછી સહાયથી તેમને શું ફાયદો થશે? તેમણે પશુપાલકો અને ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને સિંચાઈનું પાણી આપવાની પણ માંગ કરી છે.

કોંગ્રેસ નેતાએ સરકારને સંવેદનશીલતા દાખવી સહાયના ધોરણોમાં ફેરફાર કરવાની અપીલ કરી છે. ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં આ મુદ્દે રાજનીતિ પણ તેજ બની છે.