સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં અડધા જિલ્લામાં વરસાદ નહીં: કોંગ્રેસે પાક નુકસાન સર્વે અને સહાયની માગ કરી

ગુજરાતમાં અડધા જિલ્લામાં વરસાદ નહીં: કોંગ્રેસે પાક નુકસાન સર્વે અને સહાયની માગ કરી

ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની મોસમમાં વરસાદની અછતને પગલે કોંગ્રેસે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતના અડધા ભાગમાં વરસાદ થયો નથી અને 11 જિલ્લા તથા 108 તાલુકા વરસાદ વિહોણા રહ્યા છે.

ડો. ચૌધરીએ જણાવ્યું કે, વરસાદ ખેંચાઈ જવાથી ખેડૂતોના પાકને અંદાજિત 45થી 55 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે આ મુદ્દે વિધાનસભામાં નિયમ 116 હેઠળ નોટિસ આપી છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરાવવાની માગ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર સર્વે પૂરતું ન મર્યાદિત રહેતાં સરકારે ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય પણ આપવી જોઈએ.

કોંગ્રેસે ખેડૂતો માટે લોનના વ્યાજની માફી કરવાની માગ પણ કરી છે. વરસાદના અભાવે પશુધન માટે ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે, તેથી વિનામૂલ્યે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની પણ રજૂઆત સરકાર સમક્ષ કરી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી અને રાહત બંને મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ તાત્કાલિક રાહત કામો શરૂ કરવાની માગ પણ કોંગ્રેસે કરી છે. આ મુદ્દે કોંગ્રેસ આવતીકાલે ગાંધીનગર ખાતે આક્રોશ સભા યોજશે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતો ભાગ લેશે. પક્ષે સરકાર તાત્કાલિક પગલાં ન ભરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાના સંકેત આપ્યા છે.