અમદાવાદમાં બદલાતી જીવનશૈલી અને ઘટતી સહનશક્તિના કારણે ઘરેલુ હિંસાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે. 'અભયમ' 181 મહિલા હેલ્પલાઈનના છેલ્લા 3 વર્ષના આંકડા દર્શાવે છે કે, કુલ 24,136 ફરિયાદોમાંથી 12,721 (52.7%) ઘરેલુ હિંસા સંબંધિત હતી. એટલે કે, હેલ્પલાઈન પર આવતા દર બે ફોનમાંથી એક કરતાં વધુ ફોન ઘરેલુ હિંસાનો હોય છે.
હેલ્પલાઈનના વર્ષવાર આંકડા પ્રમાણે, વર્ષ 2024માં ઘરેલુ હિંસાની 4,721 ફરિયાદો નોંધાઈ હતી, વર્ષ 2025માં 4,489 અને વર્ષ 2026માં 24 ઓક્ટોબર સુધીમાં 3,511 ફરિયાદો નોંધાઈ છે. 2024ની સરખામણીમાં 2025માં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ 2026ના આંકડા પણ ચિંતાજનક છે.
આ ત્રણ વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરતાં જાણવા મળે છે કે 3,984 કિસ્સાઓમાં મહિલાઓએ ગંભીર શાબ્દિક દુર્વ્યવહાર અને માનસિક પ્રતાડનાનો સામનો કર્યો હતો. 1,395 કિસ્સાઓમાં પારિવારિક વિવાદ એટલો વધ્યો કે પરિણીત મહિલાઓએ સાસરીનું ઘર છોડવું પડ્યું હતું. લગ્નેતર સંબંધો અને વર્ચ્યુઅલ જોડાણો સંબંધિત 1,168 કિસ્સા સામે આવ્યા હતા, જેમાં 2024માં 452, 2025માં 392 અને 2026માં 324 કિસ્સા નોંધાયા હતા.
પારિવારિક વિખવાદની અસર બાળકો પર પણ પડી છે. છેલ્લા 3 વર્ષમાં બાળકોની મુલાકાત, કસ્ટડી અને માતા-પિતાથી અલગ થવા સંબંધિત 714 કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન અને કાઉન્સેલરની મદદ લેવી પડી હતી. જેમાં 2024માં 283, 2025માં 234 અને 2026માં 197 કિસ્સા નોંધાયા હતા.
મનોવિજ્ઞાનીઓ અને પારિવારિક સમસ્યાઓના નિષ્ણાતોના મતે, આજના સમયમાં પરિવારોમાં સંવાદ અને સહનશક્તિ ઘટી રહી છે. પહેલાં સંયુક્ત પરિવારમાં વડીલોની હાજરીને કારણે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ઝડપથી ઉકેલાતા હતા, પરંતુ હવે એકલવાયું જીવન અને વધતું માનસિક દબાણ સંબંધોને તોડી રહ્યું છે.